વિશ્વભરના મુસ્લિમો માટે મક્કાનું વિશેષ મહત્ત્વ પવિત્ર સ્થળ પાસે ડ્રોન એટેકથી ભારત ચિંતિત, શાંતિની અપીલ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે જણાવ્યું કે, સામાન્ય નાગરિકો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી આવી હિંસા અસ્વીકાર્ય છે
સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા નજીક થયેલા ડ્રોન હુમલાને લઈને ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જાયસ્વાલે જણાવ્યું કે, સાઉદી અરેબિયાની સાર્વભૌમ સીમા પર થતા હુમલાઓ તેમજ સામાન્ય નાગરિકોના જીવન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જાેખમમાં મૂકતી આવી ઘટનાઓની ભારત આકરા શબ્દોમાં નિંદા કરે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘મક્કા નજીક બનેલી આ ઘટના વિશેષ રૂપે ચિંતાજનક છે, કારણ કે સમગ્ર વિશ્વના કરોડો મુસ્લિમો માટે આ શહેરનું અદકેરું ધાર્મિક મહત્વ રહેલું છે. સામાન્ય જનજીવન અને નાગરિક સુવિધાઓને નિશાન બનાવતી કોઈપણ હિંસા સ્વીકાર્ય નથી.’ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતે આ વિસ્તારમાં ઝડપથી શાંતિ સ્થાપવાની અપીલ કરી છે. રણધીર જાયસ્વાલે આશા વ્યક્ત કરી હતી કે, સમગ્ર ક્ષેત્રમાં ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય બનશે અને શાંતિ તથા સ્થિરતા પુન:સ્થાપિત થશે.
સાઉદી અરેબિયા અને હૂથી વિદ્રોહીઓ વચ્ચે સંઘર્ષ સતત તીવ્ર બની રહ્યો છે. હૂથી જૂથે દક્ષિણ સાઉદી અરેબિયાના ખમીસ મુશૈત, અબહા અને તાઈફ જેવા શહેરોમાં નાગરિક અને સૈન્ય વિસ્તારોને નિશાન બનાવી નવા મિસાઈલ તેમજ ડ્રોન હુમલા કર્યા હતા. આ તાજેતરના હુમલાઓમાં ૧૩ સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે, રહેણાંક મકાનોને નુકસાન પહોંચ્યું છે અને કિંગ ખાલિદ એરબેઝ નજીક આગ લાગવાની ઘટના પણ સામે આવી છે.




