(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ભારતીય ન્યાયતંત્ર પર જ્યારે નાનામાં નાના માણસને પણ ભરોસો હોય છે. જ્યાં બીજે ક્યાંય ન્યાય ન મળતો હોય તો નાના માણસ ને કોર્ટમાં ન્યાય મળવાની આશા રહે છે. ટ્રાયલ કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધીમાં ક્યાંક તો ન્યાય મળશે એવું ઘણા માને છે ને ન્યાય મળે પણ છે. અલબત્ત ? ન્યાય મેળવવાનું મોંઘું છે ને કોર્ટ માં તો બધું દાવા- દલીલ પર અવલંબે છે.
સરકારી વકીલ સાક્ષી-પુરાવા પર પોતાનો કેસ સાબિત કરવા મથે છે ને બચાવ પક્ષના વકીલ અસીલને નિર્દોષ છોડાવવા મથતો હોય છે. છેલ્લે આનો ચુકાદો જજ આપે છે. તે સજા કરે છે અથવા આરોપીને નિર્દોષ છોડી મૂકે છે. આ જજમેન્ટ આપતી વખતે જજ ઘણું ખરૂં આરોપી કે સાક્ષીઓને મળતા પણ નથી ને માત્ર સાક્ષી-પુરાવા ના આધારે પર જજમેન્ટ લખે છે ને કમાલ જુઓ કે ન્યાય થાય છે ને બરાબર થાય છે. નીચલી કોર્ટ માં ન્યાય મળ્યાનું ન લાગે તો હાઇકોર્ટ કે સુપ્રીમમાં અપીલ થઈ શકે છે. એટલું છે કે સુપ્રીમમાં આવતો ચુકાદો અંતિમ હોય છે. મોટે ભાગે સાધારણ માણસ કોર્ટના જજમેન્ટથી રાજી હોય છે. કંઈ નહીં તો છેવટે સુપ્રીમ સુધી પહોંચતામાં ન્યાય મળી રહેતો હોય છે. અને સુપ્રીમની વાતોને સરકારે પણ માનવી પડે છે. સુપ્રીમ કોર્ટ સરકારને કાયદામાં સુધારાથી લઇ ને કાયદો ઘડવા સુધીની સલાહ આપી શકે છે ને સરકાર એ વાત ઘણુંખરૂં સ્વીકારતી પણ હોય છે. આટલો પારદર્શી ન્યાય છતાં હવે સુપ્રીમની સામે પણ આંગળી ચીંધાવા લાગી છે. ક્યારેક સરકારને પણ એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટ દખલ દઇ રહી છે.
સુપ્રીમ કોર્ટના નવા ચુકાદાઓ અનુસાર, ૨૦૨૫ માં છૂટાછેડા અથવા અલગ થવાના કિસ્સામાં, ભરણપોષણ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. કોર્ટે એ પણ ખાતરી કરે છે કે મહિલાને યોગ્ય નાણાંકિય સહાય મળે. વળી કોઇપણ મહિલા મફત કાનૂની સલાહ અને કોર્ટ સહાય મેળવી શકે એવી તકો પણ મહિલાઓ માટે ઊભી કરવામાં આવી છે. એ ઉપરાંત મહિલાઓ માટે ૧૦ કાનૂની ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ઘરેલું હિંસાથી લઇને સંપત્તિના અધિકારની વાતો સામેલ છે.
આમ એક તરફ મહિલાઓની બાબતે કોર્ટ વધુ સંવેદનશીલ થઈ હોય, ત્યાં કોર્ટની જ મહિલાઓનું શોષણ થાય એ શરમજનક છે. આ મહિલાઓ, કેવળ મહિલાઓ જ નથી, મહિલા જજો છે. મહિલા જજો અને મહિલા કર્મચારીઓ સાથે થતી જાતીય સતામણી અને શારીરિક શોષણનો મુદ્દો ફરીવાર ચર્ચામાં આવ્યા છે ત્યારે મહિલા સન્માનની વાતો નું શું ?




