સુરક્ષા દળોએ જૈશના ૨ આતંકીઓને કર્યા ઠાર જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં મોડી રાત્રે ભીષણ અથડામણ ઠાર કરાયેલા આતંકીઓ પાકિસ્તાન સ્થિત કશ્મીર ટાઈગર્સ સાથે સંકળાયેલા હતા : શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરાયો
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના મજાલતા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાત્રે થયેલી ભીષણ અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા છે. આ સફળ ઓપરેશન ૧૬ અને ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ની વચ્ચેની રાત્રે હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષાદળોને જંગલ વિસ્તારમાં આતંકીઓની શંકાસ્પદ હિલચાલ અંગે ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે વ્હાઇટ નાઈટ કોર્પ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત રીતે આ ટાર્ગેટેડ કાઉન્ટર-ટેરરિઝમ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
ઠાર કરાયેલા બંને આતંકીઓ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ (ત્નીસ્) ના પ્રોક્સી સંગઠન કશ્મીર ટાઈગર્સ સાથે સંકળાયેલા હોવાનું મનાઈ રહ્યું છે. ખરાબ હવામાન, મુશ્કેલ ભૂપ્રદેશ અને ઓછી દ્રશ્યતા જેવા પડકારો હોવા છતાં સુરક્ષાદળોના જવાનોએ મોડી રાત્રે આ ઓપરેશનને અંજામ આપ્યો હતો.
અથડામણ બાદ ઘટનાસ્થળેથી આતંકીઓના શબ સાથે મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ વિસ્તાર લાંબા સમયથી જેએમ-સંબંધિત જૂથો માટે પારગમન માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો રહ્યો છે.
સુરક્ષાદળો દ્વારા હાલમાં સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે, જેથી આસપાસના જંગલોમાં છુપાયેલા અન્ય સંભવિત આતંકીઓને શોધીને ખતમ કરી શકાય. ઉલ્લેખનીય છે કે આ જ મજાલતા વિસ્તારમાં અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પણ સમાન ઓપરેશન દરમિયાન બે શંકાસ્પદ આતંકીઓ માર્યા ગયા હતા. આ ઉપરાંત, આ ઘટનાના થોડા દિવસો પહેલા જ બડગામ જિલ્લામાં લશ્કર-એ-તૈયબા (LeT) ના એક ખતરનાક કમાન્ડરને પણ સુરક્ષાદળોએ ઠાર કર્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો જાળવવા માટે સુરક્ષાદળોની આ કાર્યવાહી અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે અને તેનાથી આતંકી સંગઠનોના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે.




