એશિયન ગેમ્સમાં ૪૪ વર્ષના દુષ્કાળનો અંત સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ ભારતે અગાઉ એશિયન ગેમ્સમાં મેરેથોનનો છેલ્લો મેડલ ૧૯૮૨ના દિલ્હી ગેમ્સમાં જીત્યો હતો સાવન બરવાલે એશિયન ગેમ્સ ૨૦૨૬માં પુરુષ મેરેથોન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ૨:૧૧:૩૭ના પર્સનલ બેસ્ટ સમય સાથે તેમણે ૪૪ વર્ષ બાદ ભારતને આ ઇવેન્ટમાં પદક અપાવ્યો છે. જાપાનના ઇચિટાકા યામશિતાએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ચીનના પેઇયુ ફેંગને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. સાવને આ રેસના મોટાભાગના સમય સુધી પોતાની સરસાઈ જાળવી રાખી હતી.નાગોયામાં ભારતના સાવન બરવાલે એ કરી બતાવ્યું જેની રાહ આખો દેશ છેલ્લા ૪૪ વર્ષથી જાેઈ રહ્યો હતો. સાવને શનિવારે વહેલી સવારે ૨ કલાક ૧૧ મિનિટ ૩૭ સેકન્ડનો સમય નોંધાવ્યો, જે તેમનો પર્સનલ બેસ્ટ સમય પણ છે. આ શાનદાર પ્રદર્શન સાથે ભારતને ૧૯૮૨ પછી પહેલીવાર એશિયન ગેમ્સની મેરેથોનમાં પોડિયમ ફિનિશ મળી છે. આ સાથે જ આ સમય હવે નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ બની ગયો છે.જાપાનના ઇચિટાકા યામશિતાએ ૨:૧૦:૪૯ના સમય સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યાે હતો, જ્યારે સાવન તેમનાથી માત્ર ૪૮ સેકન્ડ પાછળ રહ્યા હતા. ચીનના પેઇયુ ફેંગે ૨:૧૨:૧૩ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.સાવને રેસની શરૂઆતથી જ દમદાર પ્રદર્શન બતાવ્યું હતું. ૫ કિમી પર તેઓ ૧૫:૨૮ના સમય સાથે બીજા સ્થાને હતા, પરંતુ ૧૦ કિમી સુધી પહોંચતા-પહોંચતા તેમણે લીડ મેળવી લીધી હતી. ૧૫ કિમી અને ૨૦ કિમી પર પણ તેમનો સમય શાનદાર રહ્યો અને તેઓ સતત આગળ ચાલી રહ્યા હતા. હાફવે એટલે કે ૨૧.૧ કિમી પર તેમણે ૧:૦૫:૫૪નો સમય કાઢ્યો હતો અને ત્યારે પણ તેઓ સૌથી આગળ હતા.૨૫ કિમી સુધી સાવનની સરસાઈ યથાવત રહી હતી. જાેકે, ૩૦ કિમી પર જાપાનના યામશિતાએ તેમને પકડી લીધા અને સાવન એક સેકન્ડ પાછળ રહીને બીજા સ્થાને આવી ગયા. આ પછી ૩૫ કિમી પર સાવને ફરીથી સરસાઈ મેળવી લીધી હતી, પરંતુ ૪૦ કિમી પછી યામશિતાએ નિર્ણાયક હુમલો કર્યાે જેના કારણે સાવને બીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો.ભારતે અગાઉ એશિયન ગેમ્સમાં મેરેથોનનો છેલ્લો મેડલ ૧૯૮૨ના દિલ્હી ગેમ્સમાં જીત્યો હતો. તે પહેલાં ૧૯૫૧માં છોટા સિંહે ગોલ્ડ અને સુરત સિંહ માથુરે બ્રોન્ઝ જીત્યો હતો, જ્યારે ૧૯૮૨માં એચ.કે. સીતારામએ બ્રોન્ઝ મેળવ્યો હતો. આમ, નાગોયામાં સાવનનો સિલ્વર એ ભારતનો એશિયન ગેમ્સમાં દેશની બહાર આવેલો પહેલો મેરેથોન મેડલ છે.




