(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
બિહારના જમુઈ જિલ્લામાં સગીર વિદ્યાર્થીની અને તેના સાથી વિદ્યાર્થી સાથે રસ્તા પર થયેલી કથિત છેડતી, મારપીટ અને યૌન ઉત્પીડનની ઘટના એ માત્ર બિહાર જ નહીં, સમગ્ર દેશ માટે ગંભીર પ્રશ્ન ઉભો કર્યો છે કે આખરે આપણા જાહેર રસ્તાઓ પર આપણા દેશની દીકરીઓ કેટલી સુરક્ષિત છે?
જમુઈની ઘટના આપણને મહિલા સુરક્ષા ને માત્ર ચૂંટણીના ભાષણો અથવા સરકારી દાવાઓનો વિષય ન બનાવવાની પણ યાદ અપાવે છે. સુરક્ષા એટલે રસ્તા પર પૂરતી પોલીસ હાજરી, જોખમી વિસ્તારોમાં પેટ્રોલિંગ, ઝડપી ફરિયાદ વ્યવસ્થા, સગીરો માટે વિશ્વાસપૂર્ણ પોલીસ સંપર્ક, સ્ટ્રીટ લાઇટિંગ, CCTV, જાહેર પરિવહનમાં સુરક્ષા અને ફરિયાદ પછી સમયસર કાયદેસરની કાર્યવાહી.
સરકારો ઘણીવાર ઝીરો ટોલરન્સ જેવા શબ્દો વાપરે છે. પરંતુ સામાન્ય નાગરિક માટે પ્રશ્ન શબ્દોના ઉપયોગનો નથી, પરિણામનો છે. દીકરીને સાંજે કોચિંગથી ઘરે પરત ફરતી વખતે ડર ન લાગે, માતા-પિતાને સતત ચિંતા ન રહે અને કોઈ ટોળું રસ્તા પર કોઈને રોકી ન શકે- આજ સાચી સુરક્ષાની કસોટી છે.
આમ જમુઈની ઘટના એ પણ બતાવે છે કે ગુનાને રોકવા માટે માત્ર પોલીસ નહીં, આખા સમાજને આગળ આવવું પડશે. રસ્તા પર કોઈ યુવતી કે બાળક મુશ્કેલીમાં હોય ત્યારે આપણે શું લેવાદેવા એવો અભિગમ સમાજને વધુ અસુરક્ષિત બનાવે છે. કાયદો વ્યવસ્થા જાળવવાનું મુખ્ય કામ પોલીસનું છે, પરંતુ માનવતા જાળવવાની જવાબદારી દરેક નાગરિકની છે.
લોકશાહીમાં કાયદાનો ડર અને નાગરિકનો વિશ્વાસ- બંને સાથે ચાલવા જોઈએ. જમુઈની ઘટના સરકાર, પોલીસ અને સમાજ ત્રણેય માટે એક કડક ચેતવણી છે. દીકરીઓની સુરક્ષા કોઈ કૃપા નથી, તે તેમનો (દીકરીઓ)નો અધિકાર છે. અને આ અધિકાર નું રક્ષણ કાયમી જવાબદારી વ્યવસ્થાથી જ થઈ શકે છે.




