સોમવારે સવારે ૧૧ વાગ્યે શરૂ થશે લોકસભાની કાર્યવાહી સીમાંકન બિલ પર સરકારની નજર, લોકસભામાં એકસાથે ત્રણ બિલ રજૂ થશે લોકસભામાં પ્રથમ દિવસે જ ત્રણેય બિલ રજૂ થવાનાં હોવાથી રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે
સંસદનું ચાર દિવસીય વિશેષ સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રમાં કેન્દ્ર સરકાર સીમાંકન સહિત ત્રણ મહત્ત્વનાં વિધેયકો રજૂ કરવાની તૈયારીમાં છે. લોકસભામાં પ્રથમ દિવસે જ ત્રણેય બિલ રજૂ થવાનાં હોવાથી રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે. ખાસ કરીને લોકસભા અને વિધાનસભાની બેઠકોની સંખ્યામાં ફેરફાર તથા મહિલા અનામતના અમલીકરણ સાથે જાેડાયેલા મુદ્દાઓ પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા થવાની સંભાવના છે.
અગાઉ એપ્રિલ મહિનામાં રજૂ કરાયેલાં સીમાંકન અને સંબંધિત વિધેયકો જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન મળતાં પસાર થઈ શક્યાં નહોતાં. હવે સરકાર નવેસરથી વિધેયકો રજૂ કરીને તેને આગળ વધારવાની તૈયારી કરી રહી છે. લોકસભાની કાર્યવાહી સવારે ૧૧ વાગ્યે શરૂ થશે. સૌથી પહેલાં આસામના નાગાંવ મતવિસ્તારમાંથી ચૂંટાયેલા ભાજપના સાંસદ દેવાશીષ શર્મા શપથ લેશે. ત્યારબાદ છ પૂર્વ સાંસદોના નિધન અંગે શોકપ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ અને સંસદીય સમિતિના સભ્યો જરૂરી દસ્તાવેજાે ગૃહ સમક્ષ રજૂ કરશે.
ગૃહની મુખ્ય કાર્યવાહી દરમિયાન સૌપ્રથમ ગૃહમંત્રી અમિત શાહ ૧૬ એપ્રિલે રજૂ કરાયેલું કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારા) બિલ, ૨૦૨૬ પાછું ખેંચવાનો પ્રસ્તાવ રજૂ કરશે. ત્યારબાદ કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ જૂનું સીમાંકન બિલ, ૨૦૨૬ પાછું ખેંચવાનો પ્રસ્તાવ રજૂ કરશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર ત્રણ નવાં વિધેયકો રજૂ કરશે. તેમાં બંધારણ (૧૩૨મો સુધારો) બિલ, ૨૦૨૬, કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારા) બીજું બિલ, ૨૦૨૬ અને સીમાંકન (બીજું) બિલ, ૨૦૨૬નો સમાવેશ થાય છે.
જાહેર કાર્યક્રમ અનુસાર લોકસભાની બેઠક ૩૦ નવેમ્બર અને ૧ ડિસેમ્બરે યોજાશે, જ્યારે રાજ્યસભાની બેઠક ૨ અને ૩ ડિસેમ્બરે મળશે. આ વિશેષ સત્રમાં સીમાંકન અને મહિલા અનામતના મુદ્દાઓ મુખ્ય ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે.
સીમાંકન પ્રક્રિયા દેશના લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોની સીમાઓ તેમજ પ્રતિનિધિત્વની રચના સાથે જાેડાયેલી હોવાથી દક્ષિણ ભારતનાં રાજ્યો સહિત અનેક વિપક્ષી પક્ષોએ તેના પર ચિંતા વ્યક્ત કરી છે. હવે સંસદમાં સરકાર આ વિધેયકોને કેવી રીતે આગળ વધારે છે અને વિપક્ષનો કેવો પ્રતિસાદ મળે છે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.




