સાઉથ સિનેમામાં મોટો આઘાત દિગ્ગજ ડાયરેક્ટર સિંગીથમ શ્રીનિવાસ રાવનું નિધન જૂનિયર NTR અને કમલ હાસને આપી શ્રદ્ધાંજલિ ભારતીય સિનેમા અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ ડાયરેક્ટર, સ્ક્રીનરાઇટર અને મ્યુઝિક કંપોઝર સિંગીથમ શ્રીનિવાસ રાવનું ૯૫ વર્ષની વયે નિધન થયું છે.
તેમણે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેઓ વધતી ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓની સારવાર કરાવી રહ્યા હતા. ૬ દાયકાથી પણ વધુ લાંબા કરિયરમાં ભારતીય સિનેમાને અનેક યાદગાર ફિલ્મો આપનારા આ વિઝનરી ડાયરેક્ટરના જવાથી સમગ્ર મનોરંજન જગતમાં ઘેરા શોકની લહેર છવાઈ ગઈ છે.
તેમના નિધનના સમાચાર સામે આવતા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા લોકો અને તેમના પ્રશંસકો વચ્ચે શોકની લહેર છવાઈ છે. તેમના નિધન પર અભિનેતા જૂનિયર એનટીઆરે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, સિંગીથમ શ્રીનિવાસ રાવ એવા દૂરોગામી (દૂરદર્શી) ફિલ્મમેકર હતા, જેમણે બનાવેલી ફિલ્મો ઘણી પેઢીઓ પછી પણ તાજી અનુભવાય છે. જૂનિયર એનટીઆરે આદિત્ય ૩૬૯, પુષ્પક વિમાન અને મયૂરી જેવી ફિલ્મોને યાદ કરતા તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
એસ.એસ. રાજામૌલીએ ફિલ્મમેકરને યાદ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, સિંગીથમ શ્રીનિવાસ રાવના નિધનના સમાચાર અત્યંત દુ:ખદ છે. આદિત્ય ૩૬૯, પુષ્પક વિમાન અને મયૂરી જેવી ફિલ્મો બનાવનારા સિંગીથમ એવા ફિલ્મમેકર હતા, જેમણે પોતાના સમયથી આગળનું વિચારીને કામ કર્યું. તેમની ફિલ્મોમાં એવો દ્રષ્ટિકોણ હતો, જે આજે પણ નવી પેઢીને એટલો જ તાજાે અનુભવાય છે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે.
ભગવાન તેમના આત્માને શાંતિ આપે. કમલ હાસને સિંગીથમ શ્રીનિવાસ રાવના નિધન પર ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. બંને વચ્ચે લાંબા સમયથી ઘનિષ્ઠ વ્યાવસાયિક અને અંગત સંબંધ રહ્યો હતો. કમલ હાસને એક્સ હેન્ડલ પર પોસ્ટ કરતા લખ્યું કે, સિંગીથમે પોતાની જિંદગીમાં હંમેશા યુવાપણા અને નવી સોચને જીવંત રાખી. તેઓ પોતાના મિત્રો અને શિષ્યો સાથે કદમથી કદમ મિલાવીને ચાલ્યા અને તેમનો હાથ પકડી રાખ્યો, હું પણ તેમનામાંથી એક છું. જ્યારથી મેં સિંગીથમ વિશે જાણ્યું છે, ત્યારથી તેમને પસંદ કરતો આવ્યો છું. હું તેમની જેમ જિંદગી જીવવા માંગું છું.
સિંગીથમ શ્રીનિવાસ રાવ એ ફિલ્મમેકર્સમાં ગણાતા હતા, જેમણે એક જ પ્રકારની કહાનીઓ સુધી પોતાને સીમિત ન રાખ્યા. કોમેડીથી લઈને સાયન્સ ફિક્શન, ફેન્ટસી, ડ્રામા અને એક્સપેરિમેન્ટલ સિનેમા સુધી તેમણે અલગ-અલગ જાેનરમાં પોતાની રચનાત્મકતા દર્શાવી. તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દી સિનેમામાં તેમનું યોગદાન રહ્યું છે. તેમણે કાલજયી ફિલ્મ પુષ્પક વિમાન બનાવી હતી.
આ ફિલ્મમાં કમલ હાસન અને અમલા અક્કીનેની લીડ રોલમાં જાેવા મળ્યા હતા. પુષ્પક વિમાન એક સાયલન્ટ ફિલ્મ હતી જે સિંગીથમે જ બનાવી હતી. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સાથે જ આ ફિલ્મ ક્લાસિક કલ્ટ ફિલ્મોની યાદીમાં શામેલ થઈ ગઈ હતી.




