પિતૃપક્ષ અને કર્ણની પૌરાણિક કથા: અન્નદાન અને શ્રદ્ધાનું માહાત્મય
દાનવીર કર્ણને સ્વર્ગમાં કેમ ન મળ્યું ભોજન?
પિતૃપક્ષમાં દાનવીર કર્ણની આ કથા દરેક વ્યક્તિએ ચોક્કસ જાણવી જોઈએ.મૃત્યુ પછી સ્વર્ગ પહોંચેલા કર્ણને ત્યાં બધું જ મળ્યું પરંતુ ભોજન ન મળ્યું, આખરે પોતાના જીવનમાં એવી કઈ ભૂલ કરી બેઠા હતા કર્ણ? મહાભારતના કર્ણને કોણ નથી જાણતું? કર્ણને દાનવીર કર્ણ કહેવામાં આવે છે, તેમની ખ્યાતિ એવી હતી કે તેમના દ્વારેથી કોઈ યાચક ખાલી હાથે પાછો ફરતો ન હતો.એવું કહેવાય છે કે કર્ણ
પોતાની પાસે રહેલું ધન,સોનું,આભૂષણો અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ જરૂરિયાતમંદોને દાન કરી દેતા હતા.જ્યારે દેવરાજા ઇન્દ્ર સ્વયં બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેમની પાસે કવચ-કુંડળ માંગવા આવ્યા ત્યારે પણ કર્ણે જરાય હિચક્યા વગર પોતાના જન્મજાત કવચ અને કુંડળ પણ દાન કરી દીધા હતા.આ જ કારણ હતું કે પૃથ્વી પર કર્ણની ઓળખ એક મહાન દાનવીર તરીકે બની ગઈ હતી પરંતુ પિતૃપક્ષ સાથે જોડાયેલી એક પ્રચલિત પૌરાણિક કથા કર્ણના જીવનનો એક એવો પ્રસંગ રજૂ કરે છે જેને સાંભળીને દરેક વ્યક્તિ એક
ક્ષણ માટે વિચારવા મજબૂર થઈ જાય છે.કથા અનુસારમહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું અને કર્ણ પણ યુદ્ધભૂમિમાં વીરગતિ પામ્યા.
મૃત્યુ પછી જ્યારે કર્ણ સ્વર્ગ પહોંચ્યા ત્યારે તેમને તેમના જીવનમાં કરેલા દાનનું ફળ મળવા લાગ્યું, ચારેય બાજુ સોનું હતું,મૂલ્યવાન રત્નો હતા,આભૂષણો અને ભાતભાતની સંપત્તિ હતી,જે વસ્તુની કલ્પના કોઈ સામાન્ય મનુષ્ય ન કરી શકે તે બધું કર્ણની સામે હતું પરંતુ થોડા જ સમયમાં કર્ણને ખૂબ જ તેખ ભૂખ લાગી.તેમણે ભોજન માંગ્યું પરંતુ તેમની સામે ભોજનને બદલે સોનું અને મૂલ્યવાન વસ્તુઓ મૂકવામાં આવી.કર્ણે આશ્ચર્યથી જોયું.જે વ્યક્તિએ આજીવન બીજાઓને ધન આપ્યું હતું તેની સામે ધનની કોઈ જ કમી નહોતી પરંતુ પેટ ભરવા માટે અન્નનો એક દાણો પણ નહોતો.કર્ણની ભૂખ વધતી ગઈ.તેમણે દેવતાઓ પાસે તેનું કારણ પૂછ્યું.
પ્રચલિત કથાના એક સ્વરૂપમાં કર્ણે યમરાજ પાસે આ પ્રશ્ન કર્યો, જ્યારે બીજા સ્વરૂપોમાં ઇન્દ્રનો ઉલ્લેખ મળે છે.તેમને જણાવવામાં આવ્યું કે પૃથ્વી પર તેમણે આજીવન ખૂબ જ ધન અને સોનું દાન કર્યું હતું પરંતુ પોતાના પિતૃઓના નિમિત્ત અન્ન અને જળનું દાન તથા શ્રાદ્ધ કર્યું ન હતું.કર્ણ આ સાંભળીને ચૂપ થઈ ગયા.તેમને પોતાના જીવનની એક એવી વાત યાદ આવી જેને તેમણે જાણીબુજીને છોડી નહોતી.કથા અનુસાર કર્ણને પોતાના વાસ્તવિક જન્મ અને પોતાના માતા-પિતાનું પૂરૂં સત્ય જીવનના ખૂબ જ મોડા ખબર પડ્યું હતું, તેમને એ જાણકારી નહોતી કે તેઓ વાસ્તવમાં કુંતીના પુત્ર અને પાંડવોના જ્યેષ્ઠ ભાઈ છે.આ કારણોસર તેઓ પોતાના પિતૃઓ માટે એ પ્રકારનું શ્રાદ્ધ અને અર્પણ કરી શક્યા ન હતા,જેવું સામાન્ય રીતે પરિવાર પોતાની પરંપરા અનુસાર કરે છે.
કર્ણે પોતાની વાત રજૂ કરી અને કહ્યું કે જો તેમને પોતાના પૂર્વજો વિશે સાચી માહિતી જ નહોતી તો તેઓ તેમના માટે અન્ન અને જળ કેવી રીતે અર્પણ કરે? કથા અનુસાર ત્યારે કર્ણને પોતાના આ અધૂરા રહી ગયેલા કર્તવ્યને પૂરું કરવાની તક આપવામાં આવી.તેમને એક નિશ્ચિત સમયગાળા માટે પૃથ્વી પર પાછા જવાની મંજૂરી મળી જેથી તેઓ પોતાના પિતૃઓના નિમિત્ત શ્રાદ્ધ કરે,અન્ન અને જળનું દાન કરે તથા જરૂરિયાતમંદોને ભોજન કરાવે.અલગ-અલગ પરંપરાઓમાં આ સમયગાળાને ૧૪-૧૫ કે ૧૬ દિવસો તરીકે જણાવવામાં આવ્યો છે.આ જ કારણથી આ કથાને પિતૃપક્ષની પરંપરા સાથે જોડવામાં આવે છે. કર્ણ પૃથ્વી પર પાછા ફર્યા.હવે તેમની સામે માત્ર એક જ ઉદ્દેશ્ય હતો-પોતાના પિતૃઓનું સ્મરણ કરવું અને તેમના નિમિત્ત અન્ન-જળ તથા દાન કરવું,એવું કહેવાય છે કે તેમણે આ સમયગાળામાં જરૂરિયાતમંદોને ભોજન કરાવ્યું,અન્નનું દાન કર્યું અને પોતાના પૂર્વજો માટે શ્રદ્ધાપૂર્વક તર્પણ તથા શ્રાદ્ધ કર્મ કર્યા.જે કર્ણે આજીવન સોનું અને ધન વહેંચ્યું હતું હવે તેઓ અન્ન અને જળનું મહત્વ પણ સમજી રહ્યા હતા. કથાનો સંદેશ અહીં સૌથી ઊંડો થઈ જાય છે.કર્ણની દાનવીરતામાં કોઈ કમી નહોતી.તેમણે ઘણું બધું આપ્યું હતું પરંતુ આ કથાના માધ્યમથી એ જણાવવામાં આવે છે કે દાન માત્ર ધન આપવાનું નામ નથી. ભૂખ્યાને અન્ન આપવું,તરસ્યાને પાણી આપવું અને પોતાના પૂર્વજોને શ્રદ્ધાપૂર્વક યાદ કરવા પણ આપણી ધાર્મિક પરંપરામાં મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે.એવું કહેવાય છે કે જ્યારે કર્ણે પૃથ્વી પર પોતાના પિતૃઓના નિમિત્ત આ કર્મો પૂરા કર્યા ત્યારે તેમને પાછા સ્વર્ગ ગયા પછી ભોજનની કમી રહી નહીં.આ જ કારણ છે કે પિતૃપક્ષના સમયે કર્ણની આ કથા વિશેષરૂપે સાંભળવા અને સાંભળવામાં આવે છે. જો કે આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે કર્ણ અને પિતૃપક્ષની આ કથા એક લોકપ્રિય ધાર્મિક પરંપરા છે,તેને મહાભારતના મૂળ ઉપલબ્ધ પાઠમાં સીધેસીધી પિતૃપક્ષની ઉત્પત્તિની કથા તરીકે જોવામાં આવતી નથી.અલગ-અલગ ધાર્મિક પરંપરાઓમાં તેના વિવરણ પણ અલગ મળે છે પરંતુ કથાનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે કે આપણા પૂર્વજો માત્ર યાદ કરવા માટેના નામ નથી,તેઓ આપણા પરિવાર,આપણા જીવન અને આપણી પરંપરાની તે કડીનો હિસ્સો છે,જેના કારણે આજે આપણે અહીં છીએ. આ જ ભાવનાથી પિતૃપક્ષમાં લોકો પોતાના દિવંગત માતા-પિતા,દાદા-દાદી અને અન્ય પૂર્વજોનું સ્મરણ કરે છે તથા પોતાની પરંપરા અને સામર્થ્ય અનુસાર શ્રાદ્ધ-તર્પણ,પિંડદાન અને અન્ન-જળનું દાન કરે છે. કર્ણની કથા આપણને એ પણ યાદ અપાવે છે કે જીવનમાં આપણે ગમે તેટલું ધન કમાઈ લઈએ, ગમે તેટલી સંપત્તિ દાન કરી દઈએ પરંતુ કોઈ ભૂખ્યા વ્યક્તિને આપેલો ખોરાક અને કોઈ તરસ્યાને આપેલો પાણીનો ઘૂંટ પોતાનામાં ખૂબ જ મોટું પુણ્ય કાર્ય માનવામાં આવ્યું છે અને કદાચ આ જ કારણે
પિતૃપક્ષ આવતા જ દાનવીર કર્ણની આ કથા ફરી યાદ કરવામાં આવે છે.
જે વ્યક્તિએ આજીવન સોનાનું દાન કર્યું તેને મૃત્યુ પછી એ સમજાયું કે સોનું પેટની ભૂખ નથી મિટાવી શકતું.અન્ન જ ભૂખ મિટાવે છે,જળ જ તરસ છીપાવે છે અને શ્રદ્ધા જ પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.આ જ પિતૃપક્ષનો એક મહત્ત્વપૂર્ણ સંદેશ માનવામાં આવે છે. શું આ કથા શાસ્ત્રોક્ત છે? આ કથાનો મૂળ મહાભારતમાં સીધો ઉલ્લેખ નથી.મહાભારતના મૂળ ગ્રંથ કે મુખ્ય પર્વોમાં આ પ્રકારની ઘટનાનો સીધો સંદર્ભ મળતો નથી કે જ્યાં કર્ણના સ્વર્ગમાં અન્ન ન મળવાને કારણે પૃથ્વી પર પાછા ફરવાની વાત હોય.
આ કથા મુખ્યત્વે લોકસાહિત્ય,પૌરાણિક કથાઓ અને પ્રચલિત લોકવાયકાઓનો ભાગ છે.ભારતની સનાતન સંસ્કૃતિમાં મહાભારતના પાત્રો અને દાનના મહત્વને સમજાવવા માટે આવી ઘણી પ્રેરક કથાઓ પેઢી દર પેઢી મૌખિક પરંપરાથી આગળ વધી છે.ભલે આ વિશિષ્ટ ઘટના લોકકથા આધારિત હોય પરંતુ પિતૃપક્ષમાં અન્નદાન,જળદાન,તર્પણ અને શ્રાદ્ધનું મહત્વ ગરૂડ પુરાણ,મત્સ્ય પુરાણ અને વાયુ પુરાણ જેવા મહાપૌરાણિક ગ્રંથોમાં અત્યંત ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે તેથી કથા ભલે પ્રક્ષિપ્ત કે લોકપ્રિય માન્યતા હોય તેનો આધ્યાત્મિક અને ધાર્મિક સંદેશ શાસ્ત્રોની ભાવના સાથે સંપૂર્ણપણે સુસંગત છે. હિન્દુ ધર્મમાં તમામ દાનોમાં "અન્નદાન" ને મહાદાન કહેવામાં આવ્યું છે.ઉપનિષદો અને પુરાણોમાં પણ કહેવાયું છે કે અન્નથી જ પ્રાણીઓ જીવિત રહે છે.કર્ણની આ કથા એ સત્યને ઉજાગર કરે છે કે સોના- ચાંદી કે ધનથી જીવન ટકી શકતું નથી પણ અન્ન અને જળ જ જીવનનો આધાર છે.કર્ણને પોતાના પિતૃઓ વિશે સત્ય મોડું ખબર પડ્યું હોવાથી તેઓ શ્રાદ્ધ કરી શક્યા ન હતા-આ બાબત દર્શાવે છે કે ઈશ્વર કે કુદરત પણ કર્ણના આ વિશિષ્ટ સંજોગોને સમજીને તેમને પ્રાયશ્ચિત કે પિતૃઋણ ચૂકવવાની તક આપે છે,જે દૈવી કરૂણા અને ન્યાયનું પ્રતીક છે.
પિતૃપક્ષ માત્ર ધાર્મિક કર્મકાંડ નથી પરંતુ તે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ છે.જે વડીલોના કારણે આપણું અસ્તિત્વ છે,તેમને યાદ કરવા,ગરીબો અને અસહાયોને ભોજન કરાવવું એ સમાજમાં પરસ્પર પ્રેમ અને સંવેદનાને જીવંત રાખે છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




