પૂર્વ કર્મચારી જ નીકળ્યો લૂંટનો માસ્ટરમાઈન્ડ નડિયાદમાં ફિલ્મી ઢબે ૨.૭ કિલો સોનાની લૂંટ કરાઈ માત્ર ૪ કલાક જેટલા સમયગાળામાં સુરક્ષા દળોએ પૂરી તાકાતથી આરોપીઓને દબોચી લીધા અને ગુનાનો ભેદ ઉકેલ્યો ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી લૂંટની ચકચારી ઘટના નડિયાદમાં બની છે, જ્યાં રેલવે સ્ટેશન પરથી જ કરોડોના સોનાની લૂંટ થઈ અને ફરાર થઈ રહેલા આરોપીઓ પોતાના મુકામ સુધી પહોંચે તે પહેલા જ કાયદાના સકંજામાં આવ્યા. માત્ર ૪ કલાક જેટલા સમયગાળામાં સુરક્ષા દળોએ પૂરી તાકાતથી આરોપીઓને દબોચી લીધા અને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો.
સમગ્ર ઘટના અંગે વાત કરીએ નડિયાદમાં આવેલા રેલવે સ્ટેશન પર સાંજના સમયે ફૂટ ઓવરબ્રિજ પર ૨.૭ કિલો સોનાની લૂંટ થઈ.
લૂંટ થયેલું સોનું ગ્રો મોર બુલિયન કંપનીનું હતું. જે કોલકતાથી મણિનગર જઈ રહ્યું હતું. લૂંટ સમયે આરોપીઓએ સોનું લઈ જતા કંપનીના કર્મચારી પાસેથી ઝૂંટવીને ફરાર થયા. જાે કે, જે કારમાં આરોપીઓ ફરાર થયા તે કારનો એક ફોટો કર્મચારીએ પાડી લીધો. જેણે આખા ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી મદદ કરી.
નડિયાદ રેલવે સ્ટેશન પર થયેલી લૂંટ અંગે જ્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસને જાણ થઈ તો ગુનાની ગંભીરતાના આધારે કાર્યવાહી આરંભી, એટલું જ નહીં લૂંટારુઓને પકડવા માટે અમદાવાદ ગ્રામ્ય LCB, વિરમગામ પોલીસ અને પશ્ચિમ રેલવે GRP એ સંકલન સાધ્યું. નડિયાદથી ભાગેલા લૂંટારોને દબોચવા માટે એક મેગા ઓપરેશન હાથ ધરાયું.
આરોપીઓ કાયદાના સકંજામાં કેવી રીતે આવ્યા તે અંગે વાત કરીએ તો, ખેડા રેલવે પોલીસે ઘટના અંગે સ્ટેટ કંટ્રોલ રૂમમાં જાણ કરી. અમદાવાદ ન્ઝ્રમ્એ કારના રજિસ્ટ્રેશન અંગે રૂટ મેપિંગ કર્યું, જે બાદ વિરમગામ-સાચાણા તરફ જતી કાર અંગે બાતમી મળતા હાઈવે પર ટ્રક અને વાહનો આડા મૂકીને રોડ બ્લોક કર્યો.
PI એસ.એ.ગઢવીની બહાદુરીના કારણે આરોપીઓ પકડાયા હતા. આરોપીઓએ ચાલુ કારે PI ને ૫૦૦ મીટર સુધી ઢસડ્યા, છતાં સ્ટેયરિંગ પર કાબૂ મેળવી હેન્ડબ્રેક ખેંચી કાર ઊભી રખાવી અને ૪ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓના નામ આકાશ પ્રજાપતિ, કિરણ ચૌધરી, દશરથ પ્રજાપતિ અને સાવન ચૌધરી છે. જેની પૂછપરછમાં એક ચોંકાવનારો ખુલાસો થયો. પકડાયેલા આરોપીઓમાં એક આરોપી લૂંટનો માસ્ટર માઈન્ડ છે. અને તેણે અગાઉ કોલકાતાની કંપનીમાં નોકરી પણ કરી હતી. જેણે ચાર મહિના પહેલા દિયોદરના એક પાન પાર્લર પર લૂંટનો આખો પ્લાન ઘડ્યો હોવાની હકીકત સામે આવી છે.
ફરિયાદી કર્મચારી આ સાવન ચૌધરીને ઓળખતો હોવાથી પોલીસ સરળતાથી તેના સુધી પહોંચી શકી. આરોપીઓ કારના સીટની અંદર સંતાડેલું કરોડોની કિંમતનું ૨.૭ કિલો સોનું, બે કાર મળીને ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર કર્યો. સાથે જ માત્ર ૪ કલાકમાં ગુનાનો ભેદ ઉકેલાતા પોલીસની પ્રશંસનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું.




