કિમ જાેંગ-ઉને જાપાન-અમેરિકાને ધ્રુજાવ્યા ૧૦૦૦ કિમી રેન્જ ધરાવતી ઘાતક હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ પૂર્વીય દરિયામાં ૧૦૦૦ કિલોમીટર દૂર મધ્યમ અંતરની હાઈપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું નોર્થ કોરિયાએ પૂર્વીય દરિયામાં આશરે ૧૦૦૦ કિલોમીટર દૂર લક્ષ્ય પર સચોટ પ્રહાર કરતી મધ્યમ અંતરની હાઈપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને જાપાન અને અમેરિકાને ધ્રુજાવી દીધા છે.
સરકારી ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, દેશના સૈનિકોને હાઈપરસોનિક હથિયારો ચલાવવાની તાલીમ આપવા અને યુદ્ધ સમયે દેશની પ્રતિકાર ક્ષમતા ચકાસવા માટે આ પરીક્ષણ હાથ ધરાયું હતું. વર્ષ ૨૦૨૬માં નોર્થ કોરિયા દ્વારા કરવામાં આવેલા ૧૦થી વધુ મિસાઈલ પરીક્ષણોની શ્રેણીમાં આ તાજેતરનું પરીક્ષણ છે.
નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કિમ જાેંગ-ઉન (Kim Jong-un)ની સીધી દેખરેખ હેઠળ આ મિસાઈલ લોન્ચ કરવામાં આવી હતી. તેમણે આ પરીક્ષણને દેશની સુરક્ષા માટે અત્યંત જરૂરી એવો પ્રતિકાર ક્ષમતાનો અભ્યાસ ગણાવ્યો હતો.
કિમ જાેંગ-ઉનની બહેન કિમ યો-જાેંગે હવામાન ચકમો આપતી મિસાઈલના ભરપુર વખાણ કર્યા છે.
તેમણે કહ્યું કે, પરીક્ષણ વખતે મિસાઈલની ફૂલ સ્પીડ હોવાથી દક્ષિણ કોરિયા અને જાપાનના રડાર તેની ચોક્કસ દિશા ટ્રેક કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ મિસાઈલ જાપાનથી બહાર દરિયામાં પડી હતી. અમુક અહેવાલો મુજબ, આ મિસાઈલમાં હવામાં જ પોતાની દિશા બદલવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ થયો હોવાનો દાવો પણ કરાયો છે.
નોર્થ કોરિયાનું કહેવું છે કે, દુશ્મન દેશો સામે પોતાની સૈન્ય તાકાતનો અહેસાસ કરાવવો અને પરમાણુ યુદ્ધ પ્રતિકાર ક્ષમતા વધારવી તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે અનિવાર્ય છે. દક્ષિણ કોરિયાએ મિસાઈલનું અંતર ૭૦૦ કિલોમીટરથી વધુ નોંધ્યું હતું, જ્યારે ઉત્તર કોરિયાએ ૧૦૦૦ કિલોમીટરનો દાવો કર્યો છે. પોતાના હથિયારોને સતત આધુનિક બનાવીને નોર્થ કોરિયા અમેરિકા અને તેના સાથી દેશો પર દબાણ બનાવી રહ્યું છે, જેના કારણે કોરિયન પ્રાયદ્વીપમાં સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર ચિંતા ઊભી થઈ છે.




