દીપકે સહિતના નેતાઓની અટકાયત બાદ CJP નું એલાન આંદોલન અટકશે નહીં, હવે જનતા નેતૃત્વ કરે દીપકેએ આ સ્થિતિને ઇન્દિરા ગાંધીના શાસન કરતા ખરાબ ગણાવી જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ જંતરમંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં દિલ્હી પોલીસે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે સહિત ટોચના નેતાઓની અટકાયત કરી લીધી હોવા છતાં વિવાદ શાંત પડવાના કોઈ સંકેત નથી. પોલીસ કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરતાં CJP એ સ્પષ્ટ જાહેરાત કરી છે કે તેમના પક્ષના નેતાઓ સાથે હોય કે ન હોય, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન અટકશે નહીં અને સતત ચાલુ રહેશે. પોલીસ અટકાયત બાદ અભિજિત દીપકેએ કેન્દ્ર સરકારની કાર્યવાહીની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે હું તો ધરપકડ વહોરવા માટે પહેલેથી જ તૈયાર હતો. આવું તો ઇન્દિરા ગાંધીના સમયમાં પણ નહોતું થયું. આ પરિસ્થિતિ ઇન્દિરા ગાંધીની સરકાર કરતાં પણ વધુ ખરાબ છે, અને અમે ધરપકડ માટે સંપૂર્ણ તૈયાર છીએ. કોકરોચ જનતા પાર્ટીએ જાહેર કર્યું છે કે અમે અમારી માગ પર અડગ છીએ. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જાેઈએ. સરકાર અસંમતિનો અવાજ દબાવવા માંગે છે, એવામાં હવે લોકશાહીનું રક્ષણ કરવાની જવાબદારી દેશની જનતાએ પોતાના હાથમાં લેવી પડશે. આમારા નેતાઓ આંદોલનમાં હાજર ન રહે તો પણ આંદોલન અટકશે નહીં. અમે દેશના તમામ યુવાનો અને નાગરિકને અપીલ કરીએ છીએ કે તેઓ સ્વયં આગળ આવે અને આંદોલનનું નેતૃત્વ સંભાળે.




