આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દેશના કરોડો મતદાતાઓના મતનો અધિકાર છીનવી લેનારા જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે જ્યારે દેશના જાગૃત યુવાનો અને વિપક્ષી સભ્યોએ દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલનનું એલાન આપ્યું, ત્યારે ડરેલી ભાજપ સરકારે દિલ્હીના મેટ્રો સ્ટેશનો અને પરિવહનના તમામ માધ્યમો બંધ કરી દીધા હતા. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, અભિજીત દીપકે અને તેમની સમગ્ર ટીમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવા છતાં, હાલમાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં યુવાનો અને નાગરિકો લોકશાહીના રક્ષણ માટે દિલ્હી ખાતે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. શાસક પક્ષને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં તેમણે ઉમેર્યું હતું કે, સરકારે ગમે તેટલું દમન આચરવું હોય તેટલું કરી લે, પરંતુ જ્યારે દેશની જનતા પરિવર્તન અને લોકશાહી બચાવવા માટે રસ્તા પર ઉતરે છે ત્યારે સરકારની કોઈ તાકાત કે સત્તા કામ લાગતી નથી.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ગંભીર આરોપ લગાવતાં પ્રવીણ રામે જણાવ્યું હતું કે, ચૂંટણી જાહેર થતાં પહેલાં જે આખરી મતદાર યાદી ફાઈનલ થઈ ગઈ હતી, તે ચૂંટણી જાહેર થયા બાદ વોર્ડ નંબર ૪ ના આશરે ૧૫૦ થી ૨૦૦ જેટલાં મતદારોના મત ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ અંગે પાર્ટી દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે અને જરૂરી પુરાવા મળતાં જ આ સમગ્ર કૌભાંડને ગુજરાત તથા દેશની જનતા સમક્ષ ખુલ્લું મુકવામાં આવશે. તેમણે ભારપૂર્વક માગણી કરી હતી કે કરોડો નાગરિકોના મતાધિકાર સાથે ખિલવાડ કરનારા જ્ઞાનેશ કુમાર પાસેથી તાત્કાલિક ધોરણે રાજીનામું લેવામાં આવે. જો સરકાર દ્વારા સ્વેચ્છાએ રાજીનામું નહીં લેવાય, તો લોકશાહી અને બંધારણના રક્ષણ માટે દેશના નાગરિકો ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક આંદોલન ચાલુ રાખશે, જેને રોકવી વર્તમાન ભાજપ સરકાર માટે અશક્ય બની રહેશે.




