આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના ગામડાઓમાં વીજળી જવાની અને ભારે ટ્રિપિંગની ફરિયાદો ચિંતાજનક હદે વધી ગઈ છે. તાલાળા, સુત્રાપાડા, રાણાવાવ, કુતિયાણા, પોરબંદર, ભાવનગર, ઉમરાળા, બોટાદ અને સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના વિસ્તારોમાં છેલ્લા ૨૦ દિવસથી વીજસંકટ ઘેરું બન્યું છે. વર્ષમાં એક વાર આવતા નવરાત્રીના પવિત્ર તહેવારમાં પણ ભાજપ સરકાર લોકોને પૂરતી વીજળી આપી શકતી નથી. માતાજીની આરતી વખતે અને બહેનો-દીકરીઓ ગરબે રમતી હોય ત્યારે જ વીજળી ગુલ થઈ જાય છે, જેનાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અધિકારીઓ પાસે રજૂઆત કરવામાં આવે ત્યારે તેઓ એકબીજા પર દોષારોપણ કરીને લોડ શેડિંગ કે રિપેરિંગના બહાના હેઠળ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથેની વાતચીતમાંથી સામે આવ્યું છે કે, રાજ્ય સરકાર પાસે વીજળીની માંગ અને ઉત્પાદન વચ્ચેનું બેલેન્સ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સરકાર પાસે વીજ ઉત્પાદન ઘટી ગયું હોવાથી શહેરો અને મોટા ઉદ્યોગોને અવિરત વીજ પુરવઠો આપવા માટે ગામડાં, જ્યોતિગ્રામ અને ખેતીવાડી ફીડરોની લાઈટો કટકે-કટકે કાપી નાખવામાં આવે છે. શહેરોમાં અડધો કલાક પણ વીજળી જાય તો સમાચાર બને છે, પરંતુ અંતરિયાળ ગામડાંઓનો અવાજ દબાઈ જાય છે. આ પરિસ્થિતિ પાછળ ખાનગી સોલાર અને પવનચક્કી કંપનીઓ સાથેની સાંઠગાંઠ હોય છે. ગોપાલ ઇટાલિયાએ ચેતવણી આપી છે કે, જો ભાજપ સરકાર વહેલી તકે આ વીજ સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો પ્રજાના ભારે આક્રોશનો સામનો કરવો પડશે.




