જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં વારંવાર વીજકાપની સમસ્યાને કારણે ખેડૂતોને ખેતીકામમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, નવરાત્રિ જેવા તહેવાર દરમિયાન પણ વીજળીની અનિયમિતતા લોકોને પરેશાન કરી રહી છે. આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના નેતૃત્વમાં અને સંગઠન પ્રભારી રાજુભાઈ બોરખતરીયાની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોની ટીમ દ્વારા શુક્રવાર, તા. 16 ઑક્ટોબર 2026ના રોજ સવારે 11 વાગ્યે જૂનાગઢ સ્થિત PGVCL સર્કલ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવશે. આમ આદમી પાર્ટી દ્વારા તમામ ખેડૂતમિત્રોને અને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી હતી છે કે જેમના ગામમાં અથવા સીમ વિસ્તારમાં વીજળીની સમસ્યા હોય તેઓ પોતાની ફરિયાદો અને પ્રશ્નો સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રજૂઆતને મજબૂત બનાવે.
આ મુદ્દે અગાઉ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના ગામડાઓમાં વીજળી જવાની અને ભારે ટ્રિપિંગની ફરિયાદો ચિંતાજનક હદે વધી ગઈ છે. તાલાળા, સુત્રાપાડા, રાણાવાવ, કુતિયાણા, પોરબંદર, ભાવનગર, ઉમરાળા, બોટાદ અને સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના વિસ્તારોમાં છેલ્લા ૨૦ દિવસથી વીજસંકટ ઘેરું બન્યું છે. વર્ષમાં એક વાર આવતા નવરાત્રીના પવિત્ર તહેવારમાં પણ ભાજપ સરકાર લોકોને પૂરતી વીજળી આપી શકતી નથી. માતાજીની આરતી વખતે અને બહેનો-દીકરીઓ ગરબે રમતી હોય ત્યારે જ વીજળી ગુલ થઈ જાય છે, જેનાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અધિકારીઓ પાસે રજૂઆત કરવામાં આવે ત્યારે તેઓ એકબીજા પર દોષારોપણ કરીને લોડ શેડિંગ કે રિપેરિંગના બહાના હેઠળ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જો ભાજપ સરકાર વહેલી તકે આ વીજ સમસ્યાનું ઉકેલ નહીં લાવે તો પ્રજાના ભારે આક્રોશનો સામનો કરવો પડશે.




