આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાશે અમદાવાદની જનતા અને પછી જાગશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્યવસ્થા. દશેરાના દિવસે અમદાવાદના લોકો હોંશેને હોંશે ફાફડા જલેબી ખાય છે પણ એ ફાફડા જલેબીમાં ભેળસેળ હશે તો? શું લોકો ફાફડા જલેબી ખાઈ લેશે પછી કોર્પોરેશનને આ બધી બાબતે ખબર પડશે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ વિભાગ સેમ્પલ લે છે પરંતુ લેબમાંથી રિપોર્ટ આવતા 14 દિવસનો સમય લાગે છે એનું શું? તહેવાર એક દિવસનો છે તો રિપોર્ટની રાહ શા માટે 14 દિવસ સુધી જોવાની? જનતાના આરોગ્ય સાથે ચેડા થતા હોય તો કાર્યવાહી પછી નહીં, પરંતુ એ જ સમયે થવી જોઈએ. દરેક ઝોનમાં મોબાઇલ ફૂડ ટેસ્ટીંગ લેબ શા માટે નથી?
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ડૉ. કરન બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના લોકોની કાળજી રાખતી હોય તો અમદાવાદમાં ફૂડ સેફટી લેબ ઓન વીલની વ્યવસ્થા કરે. આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરતા હોઈએ અને આટલી પણ વ્યવસ્થા ન કરી શકીએ તો એ શરમજનક કહેવાય. અમદાવાદમાં 6 કરોડથી વધારેના ફાફડા અને જલેબી વેચાય છે અને 10,000 કિલોથી પણ વધારેનું વેચાણ થાય છે. જો તહેવારો દરમિયાન ટેસ્ટિંગ થાય અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની પુષ્ટિ થાય તો કાયદા મુજબ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી જોઈએ. પરંતુ એ કેમ નથી થતી? મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ પાસે પૂરતી વ્યવસ્થા કેમ નથી? તહેવારો દરમિયાન વધારે સઘન તપાસ કેમ થતી નથી? સૌથી મોટો પ્રશ્ન એ છે કે જવાબદાર અધિકારીઓ સામે નિષ્પક્ષ તપાસ ક્યારે થશે? લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ સમાધાન નહીં ચાલે. જરૂર છે ઝડપથી તપાસ અને પારદર્શક કાર્યવાહીની અને જરૂર છે અમદાવાદીઓના સ્વાસ્થ્ય માટે જવાબદારી નક્કી કરવાની.




