આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી જ્યારે ખેડૂતોને ખૂબ જ વીજળીની જરૂરિયાત હતી અને નવરાત્રી જેવો પાવન પર્વ ચાલી રહ્યો હતો, એવા સમયે લોડ શેડિંગ નામે તંત્ર દ્વારા અવારનવાર વીજળી કાપી નાખવામાં આવતી હતી, પાછલા સમયથી એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ગુજરાત વીજળી બાબતે સરપ્લસ ધરાવતું રાજ્ય છે, તો પછી પ્રશ્ન એ થાય છે કે આ વીજળી જાય છે ક્યાં?
વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે, માત્ર ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવાના હેતુથી ગુજરાતમાં ઉત્પન્ન થતી વીજળી અન્ય રાજ્યોને અને ઉદ્યોગોને વેચી દેવામાં આવે છે, જેના કારણે ગુજરાતમાં વીજકાપ જેવી સમસ્યાનો સામનો ગુજરાતના લોકોએ કરવો પડી રહ્યો છે. અઠવાડિયા અગાઉ આ અંગે મેં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી પરંતુ આ બાબતે હજુ સુધી કોઈ હકારાત્મક નિર્ણયો લેવાયા નથી. હું આ વીડિયોના માધ્યમથી મુખ્યમંત્રીને અપીલ કરું છું કે વહેલામાં વહેલી તકે વીજકાપની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે અને ગુજરાતમાં ઉત્પન્ન થતી વીજળી ગુજરાતના લોકોને મળે એવી વ્યવસ્થા ઊભી કરો.




