આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ તરીકે ભરતભાઈ સીદપરાની નિમણૂક થતાં જ કાર્યકર્તાઓ અને તમામ પદાધિકારીઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. જૂનાગઢ કાર્યાલય ખાતે તમામ કાર્યકર્તાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ‘આપ’ના સમર્થકો દ્વારા ભરતભાઈ સીદપરાનો સ્વાગત અને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુખદેવભાઈ મકવાણા સહિતના તમામ ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્યા હતા અને નવી જવાબદારી સ્વીકારવા બદલ ભરતભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરતભાઈ સંગઠન ચલાવવામાં ખૂબ જ નિપુણ, હોશિયાર અને લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા નેતા છે. આજના આ સમગ્ર કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભરતભાઈની સાથે તમામ કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓએ આ નવી જવાબદારીને આનંદભેર વધાવી લીધી છે.
બીજી તરફ, નવનિયુક્ત જૂનાગઢ જિલ્લા પ્રમુખ ભરતભાઈ સીદપરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા ગોપાલભાઈ ઈટાલીયા અને પ્રદેશ નેતૃત્વએ જૂનાગઢ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપીને મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તે બદલ હું સમગ્ર પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લાના સૌ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. મને મળેલી આ જવાબદારી હું સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ અને આમ આદમી પાર્ટીના ‘મિશન ૨૦૨૭’ની મુહિમને વધુ મજબૂતાઈથી આગળ વધારીશ.




