( નિડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
દેશમાં લોકશાહી અને નાગરિકોના મતાધિકારના રક્ષણ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ કરવામાં આવેલા “વોટ બચાવ, દેશ બચાવ” અભિયાન અંતર્ગત સુરત સર્કિટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદને સંબોધતા AICC ઓબ્ઝર્વર અને મહારાષ્ટ્રના પૂર્વ વિધાયક શ્રી મોહન જોશી જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સીધા પ્રહાર કર્યા હતા.
બ્લોકથી લઈ રાષ્ટ્રીય સ્તર સુધી આંદોલનની તૈયારી
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોહન જોશી જીએ જણાવ્યું હતું કે, “દેશના દરેક નાગરિકના મતાધિકારને સુરક્ષિત રાખવા અને મતદાર યાદીમાંથી જેમના નામ ખોટી રીતે કાઢી નાખવામાં આવ્યા છે, તેમના નામ ફરીથી ઉમેરાય તે માટે કોંગ્રેસે આરપારના સંઘર્ષનું બ્યુગલ ફૂંક્યું છે.” તેમણે ઉમેર્યું હતું કે આ આંદોલનને બ્લોક સ્તરથી શરૂ કરીને ડિસ્ટ્રિક્ટ, પ્રદેશ અને ઓલ ઈન્ડિયા લેવલ સુધી તીવ્ર બનાવવાની કોંગ્રેસની પૂર્ણ તૈયારી છે.
બે મહિનાના અભિયાનનો એક્શન પ્લાન:
ઘરે-ઘરે જનસંપર્ક: આવનારા બે મહિના સુધી ‘સેવ ડેમોક્રેસી’ના શિર્ષક હેઠળ હેન્ડ બિલના માધ્યમથી વ્યાપક જનસંપર્ક કરવામાં આવશે.
મતદાર યાદીની ચકાસણી: કોંગ્રેસના કાર્યકરો મતદાતા સૂચિ લઈને ઘરે-ઘરે પહોંચશે અને કયા સંજોગોમાં નાગરિકોના નામ કપાયા છે તેની ઝીણવટભરી તપાસ કરશે તેમજ નામ ફરી જોડવા માટેની જરૂરી કાયદાકીય કાર્યવાહી કરશે.
ચોપાલ સભા: આવનારા દિવસોમાં દરેક વોર્ડદીઠ ‘ચોપાલ સભા’નું આયોજન કરી લોકોને જાગૃત કરવામાં આવશે અને વોટચોરોને ખુલ્લા પાડવામાં આવશે.
૧લી નવેમ્બરે દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્તરનું વિરોધ પ્રદર્શન
મોહન જોશી જીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ ગુપ્તાના રાજીનામાની માગ સાથે આવનારી ૧લી નવેમ્બરે દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્તરનું વિશાળ વિરોધ પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે સુરતથી પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દિલ્હી જશે.
સુરત કોંગ્રેસના શીર્ષ નેતૃત્વની ઉપસ્થિતિ
આ પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રવક્તા નૈષધ દેસાઈ,સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા, સંગઠન મહામંત્રી રોહિત સાવલિયા, કોર્પોરેટર અરશદ જરીવાલા, પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા,પ્રવક્તા કિરણ રાયકા,છાયા ઠાકોર તેમજ સહ ખજાનચી નિરવ રાણા સહિત શહેરના ટોચના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




