જે.ડી. વેન્સનો સ્વીકાર ઈરાન યુદ્ધ અને મોંઘવારીએ રિપબ્લિકન પાર્ટીને હરાવી ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિથી ભટક્યાની મતદારોમાં નારાજગી, ડેમોક્રેટ્સ તરફ વળ્યા ટ્રમ્પના જૂના સમર્થકો
અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મળેલા પરાજય બાદ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે હાર પાછળનાં ચાર મુખ્ય કારણો ગણાવ્યાં છે. ઈરાન સાથેનો લશ્કરી સંઘર્ષ, વધતી મોંઘવારી, ટ્રમ્પ વહીવટીતંત્રની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિથી ભટક્યાની ધારણા અને ઇઝરાયેલ સાથેના સંબંધો અંગેનો અસંતોષ પાર્ટીની હારનાં મુખ્ય કારણો હોવાનું તેમણે જણાવ્યું છે. આ સાથે તેમણે સ્વીકાર્યું છે કે અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપનારા અનેક મતદારો આ વખતે ડેમોક્રેટિક પાર્ટી તરફ વળ્યા છે.
૩ નવેમ્બરે યોજાયેલી મિડ-ટર્મ ચૂંટણીનાં પરિણામો બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ‘ પર પોતાની પ્રતિક્રિયા આપતાં વેન્સે જણાવ્યું હતું કે રિપબ્લિકન પાર્ટીની હારનું કારણ માત્ર ઓછું મતદાન નહોતું. અનેક મતદારોએ મતદાનમાં ભાગ લીધો હોવા છતાં રિપબ્લિકન ઉમેદવારોને બદલે ડેમોક્રેટિક ઉમેદવારોને પસંદ કર્યા હતા. સરકારની નીતિઓ અને ર્નિણયો સામેની નારાજગી મતદાનમાં પ્રતિબિંબિત થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.
વેન્સે પાર્ટીના આંતરિક મૂલ્યાંકન અને રાજકીય વિશ્લેષણના આધારે ચાર મુખ્ય પરિબળોનો ઉલ્લેખ કર્યો હતો.
૧. ઈરાન સાથેનો સંઘર્ષ: ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકી મતદારોમાં અસંતોષ વધ્યો હોવાનું માનવામાં આવ્યું છે. વેન્સે પણ આ સંઘર્ષને ચૂંટણીમાં થયેલા નુકસાનનું મહત્ત્વનું કારણ ગણાવ્યું હતું.
૨. વધતી મોંઘવારી: જીવનજરૂરી ચીજવસ્તુઓ અને રોજિંદા ખર્ચમાં વધારાને કારણે સામાન્ય નાગરિકોમાં સરકાર સામે નારાજગી વધી હતી.
૩. અમેરિકા ફર્સ્ટ નીતિ અંગે સવાલો: ટ્રમ્પ વહીવટીતંત્ર પોતાની ચૂંટણીલક્ષી ‘અમેરિકા ફર્સ્ટ‘ નીતિથી પાછળ હટી રહ્યું હોવાની ધારણાએ પણ મતદારોને પ્રભાવિત કર્યા હતા.
૪. ઇઝરાયેલ સાથેના સંબંધો: ઇઝરાયેલ સાથે અમેરિકી સરકારના સંબંધો અને વિદેશ નીતિ અંગેના કેટલાક મતદારોના અસંતોષની અસર પણ ચૂંટણીમાં જાેવા મળી હતી. વેન્સે એક રિપબ્લિકન ડેટા એનાલિસ્ટ સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ૨૦૨૪ની ચૂંટણીમાં ટ્રમ્પ-વેન્સની જાેડીને સમર્થન આપનારા કેટલાક મતદારો આ વખતે ડેમોક્રેટિક ઉમેદવારોને મત આપી શકે છે તેવી ચેતવણી અગાઉથી આપવામાં આવી હતી. ચૂંટણીનાં પરિણામોએ આ ચિંતા સાચી સાબિત કરી હોવાનું વેન્સે જણાવ્યું હતું. તેમણે ફ્લોરિડાનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ત્યાં રિપબ્લિકન પાર્ટીની સ્થિતિ મજબૂત રહી હતી. આથી સમસ્યા મતદારોની ઓછી ભાગીદારીની નહીં, પરંતુ મતદારોની પસંદગીમાં આવેલા બદલાવની હતી. ચૂંટણીનાં પરિણામો બાદ ડેમોક્રેટ્સને કોંગ્રેસનાં બંને ગૃહોમાં બહુમતી મળી હોવાનો દાવો અહેવાલમાં કરવામાં આવ્યો છે. આ સ્થિતિ ટ્રમ્પ વહીવટીતંત્ર માટે રાજકીય રીતે પડકારજનક બની શકે છે. ડેમોક્રેટ્સને સરકારની નીતિઓની સમીક્ષા, સરકારી અધિકારીઓની પૂછપરછ અને ઇમિગ્રેશન, અર્થતંત્ર તથા ઈરાન સાથેના સંઘર્ષ જેવા મુદ્દાઓ પર વહીવટીતંત્રને જવાબદાર ઠેરવવાની વધુ તક મળી શકે છે. મિડ-ટર્મ ચૂંટણીનાં પરિણામોએ ટ્રમ્પ સરકાર સામે મતદારોની બદલાતી માનસિકતા અને વિદેશ તથા આર્થિક નીતિઓ અંગેના અસંતોષને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. હવે કાર્યકાળનાં બાકીનાં બે વર્ષમાં ટ્રમ્પ વહીવટીતંત્ર આ રાજકીય પડકારોનો સામનો કેવી રીતે કરે છે તેના પર સૌની નજર રહેશે.




