ટ્રમ્પના ઉમેદવારને હરાવ્યા અમેરિકી પ્રતિનિધિ સભામાં સુહાસ સુબ્રમણ્યમનો વિજય વર્જિનિયાની ૧૦મી બેઠક પર સુહાસને ૬૧.૫ ટકા મત મળ્યા, રિપબ્લિકન ઉમેદવાર પાછળ રહ્યા અમેરિકામાં ઉપચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો લાગતો દેખાઈ રહ્યો છે. ઉપચૂંટણીથી તેમની સરકારને ભલે કોઈ ખતરો ન હોય, પરંતુ એક વાત તો સ્પષ્ટપણે દેખાય છે કે તેમની સરકારથી લોકો ખુશ નથી. ભારતીય મૂળના સુહાસ સુબ્રમણ્યમે પણ અહીં જીતનો પરચમ લહેરાવ્યો છે. તેમણે અમેરિકી પ્રતિનિધિ સભા ના સભ્ય તરીકે એકતરફી જીત મેળવી છે. તેમને ૬૧.૫ ટકાથી વધુ વોટ મળ્યા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી અને ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનના ડેવ બેકવિથને માત્ર ૩૬.૪ ટકા વોટ મળ્યા.રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સલાહકાર રહી ચૂકેલા સુહાસ સુબ્રમણ્યમે અમેરિકી પ્રતિનિધિ સભાના સભ્યની ચૂંટણી જીતીને ટ્રમ્પને મોટો આચકો આપ્યો છે. તેમણે વર્જિનિયાના ૧૦મા ડિસ્ટ્રિક્ટથી જીત હાંસલ કરી છે.સુહાસ સુબ્રમણ્યમના માતા-પિતા ભારતીય મૂળના છે. સુહાસનો જન્મ હ્યુસ્ટનમાં થયો હતો. ન્યૂ ઓર્લિયન્સની ટ્યુલેન યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેમણે સમાજ સેવાનું કામ શીખ્યું. ત્યાં તેમણે હરિકેન કેટરિનાથી પ્રભાવિત સમુદાયોના પુનર્નિર્માણ માટે સ્વયંસેવકોને સંગઠિત કરવામાં મદદ કરી.સુહાસ સુબ્રમણ્યમે કેપિટલ હિલમાં નીતિ સલાહકાર તરીકે કામ કર્યું. ત્યાં તેમણે લાખો અમેરિકનો માટે આરોગ્ય (હેલ્થકેર) ક્ષેત્રે કામ કર્યું. તેમણે આ ક્ષેત્રમાં ઘણા સુધારા લાવ્યા. એટલું જ નહીં, સુહાસે ઇમિગ્રેશન સુધારાના સમર્થનમાં બંને પક્ષોનું ગઠબંધન બનાવવામાં મદદ કરી. પૂર્વ સૈનિકો, વડીલો અને શ્રમિક પરિવારો માટે રોજગારીની તકો વધારવાની સાથે-સાથે ફંડિંગ એકત્ર કરવા સંબંધિત કાયદાનો ડ્રાફ્ટ (મસૂદો) તૈયાર કર્યાે.નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી ઓનર્સ સાથે લો (કાયદા)ની ડિગ્રી મેળવ્યા બાદ સુહાસ સુબ્રમણ્યમે રાષ્ટ્રપતિ ઓબામાના કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસમાં ટેકનોલોજી નીતિ સલાહકાર તરીકે કામ કર્યું. વ્હાઇટ હાઉસમાં કામ કર્યા પછી તેમણે લાઉડન કાઉન્ટીમાં પોતાનો નાનો વ્યવસાય શરૂ કર્યાે. તેમણે એક સ્વયંસેવક અને ફાયરફાઇટર તરીકે પણ સેવા આપી.સુહાસ ૨૦૧૯માં વર્જિનિયા જનરલ એસેમ્બલી માટે ચૂંટાયા હતા. ૨૦૨૪માં અમેરિકી પ્રતિનિધિ સભા માટે ચૂંટાયા પહેલાં સુબ્રમણ્યમ વર્જિનિયા સ્ટેટ સીનેટના સભ્ય પણ રહી ચૂખ્યા છે.




