(નીડર નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
આપણે એક સાર્વભૌમ રાષ્ટ્રના નાગરિક તરીકે મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદભાવ વગર વર્તવાની બંધારણલિખિત પ્રતિજ્ઞા પાળવી જોઈએ કે નહીં? રૂપજીવીની પાસે પેટનો ખાડો પૂરવા માટે શરીર સિવાય બીજું કશું જ નથી હોતું અને એ ના ગમતું હોય છતાં સ્વીકારવું પડેલ “આપદ્ધર્મ” છે.
બંધારણ માટે તો દેશના રાષ્ટ્રપતિથી લઈને ગટર સાફ કરવા ઉતરતો સફાઈ કામદાર, ખરા તાપમાં ખાણમાં ખોદકામ કરતો મજૂર, ટાઢ, તડકો કે વરસાદની પરવા કર્યા વિના ખેતર ખેડતો ખેડૂત અને અબજો રૂપિયાની કમાણી કરતાં વેપારી કે ઉદ્યોગપતિ જેટલું જ મહત્વ દેહવ્યાપાર કરીને પેટનો ખાડો પૂરવા મથતી વેશ્યાનું પણ હોય. એને પણ એ બધાંની જેમ ભારતીય નાગરિકને મળેલો પોતાને ગમતી પાર્ટી કે ઉમેદવાર ચૂંટવાનો મહામૂલો “અધિકાર” મળેલો છે
ત્યારે SIR ના નિમિત્તે એમના મતાધિકાર પણ છીનવાયા છે, કારણ કે એમણે ચૂંટણીપંચે માગેલા દસ્તાવેજો રજૂ કરવામાં શરમ અનુભવી હતી. માતાપિતાનાં નામકામ આપીને આવી કેટલીક સ્ત્રીઓને પોતાની ઈજ્જત પર ડાઘ લગાડવાનું યોગ્ય નહોતું લાગ્યું, દેખીતું છે કે ચૂંટણી પંચે એસઆઈઆર ઝુંબેશ શરૂ કરી હતી. એ તો અધૂરી વિગતોવાળાં ફોર્મ ભરનારા મતદારો નાં નામ રદ જ કરે. પરિણામે સેન્ટ્રલ દિલ્હીના કુખ્યાત જીબીરોડ પર જિંદગી હોમી દેનારી નેવું ટકા રૂપજીવિનીઓ નાં નામો મતદારયાદીમાંથી કમી કરાયાં છે.
આનું સર્વેક્ષણ કરવા ગયેલા પત્રકારને એવી એક ધંધાવાળી મહિલાએ કરેલો સણસણતો સવાલ સીધો જ દરેક ભારતીય નાગરિકને કારી ઘા જેવો લાગે અને કારમી પીડા પહોંચાડે એવો છે. એણે અપાર ક્ષોભ અનુભવતા પ્રશ્ન કર્યો હતોઃ શું અમે દેશના બીજા નાગરિકો જેવાં નાગરિક નથી? શું અમારા મતમાં કોઈ ડાઘ છે?, એટલે કે અમારો મત મેલો અને તમારા મત ઉજળા છે? આવી આભડછેટ રાખે એવી લોકશાહીનો અર્થ ખરો? આ છે રૂપજીવિનીઓની નાભિમાંથી ઊઠેલી ચીસ કે જે સવાલ પૂછી ને મતાધિકાર બચાવવા ઝઝૂમી રહી છે.




