અનેક મકાનોની બારીઓના કાચ તૂટ્યા જાપાનમાં ૫.૭ની તીવ્રતાનો ભૂકંપ : ૨૨ લોકો ઘાયલ મધરાતે ધરતી ધ્રૂજતાં લોકોમાં અફરાતફરી; શિઝુઓકા પ્રીફેક્ચર નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ, સુનામીનું જાેખમ નહીં જાપાનમાં રવિવારે વહેલી સવારે આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મધ્ય જાપાનમાં અનુભવાયેલા આ ભૂકંપની તીવ્રતા જાપાન મેટિયોરોલોજિકલ એજન્સી (JMA) દ્વારા રિક્ટર સ્કેલ પર ૫.૭ નોંધવામાં આવી હતી, જ્યારે અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (USGS)એ તેની તીવ્રતા ૫.૫ દર્શાવી હતી. ભૂકંપના જાેરદાર આંચકાને કારણે અનેક મકાનોની બારીઓના કાચ તૂટી ગયા હતા. જીવ બચાવવા માટે ઘરો અને ઇમારતોમાંથી બહાર દોડી આવેલા લોકોમાં થયેલી ભાગદોડ દરમિયાન ૨૨ લોકો ઘાયલ થયા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. સ્થાનિક સમય અનુસાર રવિવારે વહેલી સવારે ૧:૦૪ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ શિઝુઓકા પ્રીફેક્ચરના પશ્ચિમ વિસ્તારમાં જમીનથી આશરે ૪૦ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આંચકાની અસર મધ્ય જાપાનના અનેક વિસ્તારોમાં અનુભવાઈ હતી. જાપાનના ભૂકંપ માપનના વિશેષ સ્કેલ પર ઐચી પ્રીફેક્ચરના ચિતા વિસ્તારમાં પાંચથી વધુ તીવ્રતાના આંચકા નોંધાયા હતા. જ્યારે ઐચી, નાગાનો અને ગિફૂ પ્રીફેક્ચરના અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપની અસર જાેવા મળી હતી. અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા અને સલામત સ્થળે આશરો લીધો હતો. ભૂકંપ બાદ જાપાનની સરકારે પરિસ્થિતિ પર નજર રાખવા અને રાહત કામગીરીનું સંકલન કરવા માટે ઇમરજન્સી રિસ્પોન્સ ઓફિસ કાર્યરત કરી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બચાવ અને રાહત દળોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી. ભૂકંપ બાદ કેટલાક વિસ્તારોમાં આફ્ટરશોકના આંચકા પણ અનુભવાયા હતા. જાેકે, ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં રાખીને સુનામીની ચેતવણી જાહેર કરવાની જરૂર પડી નહોતી. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વધુ આંચકા અનુભવાઈ શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા અને સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. જાપાનમાં વારંવાર ભૂકંપ આવવાનું મુખ્ય કારણ તેની ભૌગોલિક સ્થિતિ છે. જાપાન પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાતા ભૂકંપપ્રવણ વિસ્તારમાં આવેલું છે. અહીં પ્રશાંત, ફિલિપાઈન સી, યુરેશિયન અને ઉત્તર અમેરિકન ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે વારંવાર ભૂકંપ સર્જાય છે. આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે અથવા એકબીજાની નીચે સરકે છે. આ પ્રક્રિયાને સબડક્શન કહેવામાં આવે છે. તેના કારણે પૃથ્વીના આંતરિક ભાગમાં તણાવ એકત્રિત થાય છે અને જ્યારે આ તણાવ અચાનક મુક્ત થાય છે ત્યારે ભૂકંપના આંચકા અનુભવાય છે. આ જ કારણ છે કે જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપપ્રવણ દેશોમાં સામેલ છે.




