આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા બાલીમાં યોજાયેલી ICC ની બેઠકમાં બિનહરીફ વરણી; ૩૬ વર્ષની ઉંમરે પ્રથમ વખત સંભાળ્યું હતું ચેરમેનપદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં ભારતીય ક્રિકેટ પ્રશાસક જય શાહનો પ્રભાવ યથાવત્ રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન તરીકે ફરી એકવાર જય શાહની પસંદગી કરવામાં આવી છે. બાલીમાં યોજાયેલી ICCના ડિરેક્ટર્સની બેઠકમાં તેમના નામ પર સર્વસંમતિ સધાતાં તેમની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ સાથે જય શાહ બીજી વખત ICCના ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે. બાલીમાં યોજાયેલી ICC ની બેઠકમાં ડિરેક્ટર્સ દ્વારા જય શાહના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ચેરમેનપદ માટે તેમની સામે અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નહોતી. પરિણામે તેમની બિનહરીફ પસંદગીનો માર્ગ મોકળો થયો હતો. ICC દ્વારા પણ સત્તાવાર રીતે તેમની પુન:વરણીની જાહેરાત કરવામાં આવી હતી. બીજી વખત ચેરમેન તરીકે પસંદગી થતાં જય શાહે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આ જવાબદારીને ગૌરવની બાબત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વભરમાં ક્રિકેટનો વ્યાપ વધારવા માટે ICCના સભ્યો સાથે મળીને કામ કરશે. જય શાહે વધુમાં જણાવ્યું હતું કે હાલનો સમય ક્રિકેટ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ક્રિકેટનું ભવિષ્ય મજબૂત બનાવવા માટે માત્ર મોટી ટૂર્નામેન્ટનું આયોજન કરવું પૂરતું નથી, પરંતુ રમતને વૈશ્વિક સ્તરે વધુ લોકપ્રિય બનાવવી અને તેના વિકાસ માટે લાંબા ગાળાની યોજનાઓ ઘડવી પણ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે જય શાહે વર્ષ ૨૦૨૪માં પ્રથમ વખત ICC ના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી હતી. માત્ર ૩૬ વર્ષની ઉંમરે આ પદે પહોંચીને તેઓ ICC ના સૌથી યુવા ચેરમેન બન્યા હતા. હવે બીજી વખત તેમની પસંદગી થતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બન્યું છે. જય શાહ પહેલાં ભારતના ચાર દિગ્ગજ ક્રિકેટ પ્રશાસકો ICC ના ચેરમેનપદે રહી ચૂક્યા છે. જેમાં જગમોહન દાલમિયા, શરદ પવાર, એન. શ્રીનિવાસન અને શશાંક મનોહરનો સમાવેશ થાય છે. આ રીતે જય શાહ આ વૈશ્વિક ક્રિકેટ સંસ્થાનું નેતૃત્વ કરનારા પાંચમા ભારતીય બન્યા છે. જય શાહની પુન:વરણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વહીવટમાં ભારતીય પ્રતિનિધિત્વનું મહત્ત્વ ફરી એકવાર સામે આવ્યું છે. આગામી કાર્યકાળમાં ક્રિકેટને વધુ દેશો સુધી પહોંચાડવા અને વૈશ્વિક સ્તરે રમતનો વ્યાપ વધારવા પર તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.




