આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વિડીયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, એક સમય એવો હતો, જ્યારે ગેસના બાટલાનો ભાવ વધે કે બીજા કોઈ ચીજ વસ્તુઓના ભાવ વધતા અને મોંઘવારી વધતી તો વિપક્ષમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટી રોડ પર ઉતરીને જેમ મનફાવે એમ તમાશાઓ કરતી અને ભાજપ દ્વારા બંધનું એલાન પણ જાહેર કરવામાં આવતું. હમણાં થોડા દિવસ પહેલા દિવાળી ગઈ પરંતુ સામાન્ય લોકો માટે આ દિવાળી ’હોળી’ સમાન હતી કારણ કે તમામ વસ્તુઓના ભાવ વધ્યા હતા, ગેસના ભાવ વધ્યા, પેટ્રોલના ભાવ વધ્યા અને લગભગ કોઈ વસ્તુ બાકી રહી નથી કે જેના ભાવ વધ્યા ન હોય. ભાવ તો વધ્યા જ પણ સાથે સાથે ડુપ્લીકેટ અને નકલી વસ્તુઓના કારણે લોકો ચારેબાજુ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આજે ગુજરાતમાં અને દેશમાં બેરોકટોક નકલી વસ્તુઓ વેચાઈ રહી છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આવા સમયમાં અસહ્ય મોંઘવારી વચ્ચે સામાન્ય પરિવારે પોતાની જિંદગી જીવવી, પોતાના બાળકોને ભણાવવા, પોતાના વડીલો માટે દવાની વ્યવસ્થા કરવી લગભગ અશક્ય બની ગયું છે. એવા સમયમાં આમ આદમી પાર્ટીની મહિલા વિંગની સાથે સાથે સમગ્ર આમ આદમી પાર્ટી કલેકટરના માધ્યમથી રજૂઆત કરશે અને દરેક જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમો થશે. ગુજરાતમાં અને દેશમાં મોંઘવારીને કાબુમાં લાવવામાં આવે, એ મુદ્દા પર આમ આદમી પાર્ટી રોડ ઉપર ઉતરશે અને પ્રદર્શન કરશે. જો આ પરિસ્થિતિ આમની આમ જ રહી તો મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં જનતા ભાજપને જરૂર સબક શીખવશે.




