આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે એક વીડિયોના માધ્યમથી અમદાવાદના એક ગંભીર મુદ્દા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને 7 થી 8 દિવસ પહેલા જ ઇસ્કોનથી સરખેજ તરફનો જે નવો બ્રિજ બનાવ્યો છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ બ્રિજ 450 કરોડથી પણ વધારેના ખર્ચે બન્યો હતો. અમદાવાદમાં ખાડામાં પડવાથી, ગુજરાતમાં બ્રિજ પડવાથી અનેક લોકોના મૃત્યુ થાય છે, વારંવાર બ્રિજ સમારકામની વાતો થાય છે, કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવે છે, પરંતુ જ્યારે નવો કોઈ બ્રિજ બને છે ત્યારે કોઈ પણ પ્રકારની ચકાસણી કે તકેદારી રાખવામાં આવતી નથી, એનું મોટું ઉદાહરણ આ ઇસ્કોન સરખેજના બ્રિજમાં દેખાઈ રહ્યું છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ડૉ. કરન બારોટે જણાવ્યું હતું કે, આ 450 કરોડના ખર્ચે બનેલા નવા બ્રિજમાં ખાડા પડી ગયા છે, નવા બનેલા બ્રિજમાં ફક્ત સાત દિવસમાં ખાડા પડી ગયા છે. આ ખાડા પરથી સમજી શકાય છે કે 450 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં કેટલા મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હશે. તમારા ભ્રષ્ટાચારના પાપે લોકો હવે ભોગ બની રહ્યા છે, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા થાય છે, હીટ એન્ડ રનના કેસ વધી રહ્યા છે, બ્રિજ તૂટવાના કારણે અને ખાડાઓના કારણે લોકોને શારીરિક સમસ્યાઓ થઈ રહી છે, તો ફરીથી આવી ઘટનાઓ ન બને એ માટે સરકારે કાળજી લેવી જોઈએ. અમદાવાદના લોકોએ હવે જાગૃત થવાની જરૂર જ છે, કારણ કે આપણા ગુજરાતના લોકોના કરોડોના ટેક્સના પૈસેથી તાગડધીન્ના કરે છે અને સ્પેસ ટેકનોલોજી વાલા રોડ અને બ્રિજ બનાવે છે.




