(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
ભારતીય બંધારણે દરેક નાગરિકને કાયદાકીય રક્ષણ આપ્યું છે. પોલીસ તપાસ કરે, પુરાવા એકત્રિત કરે, આરોપનામું દાખલ કરે અને અદાલત કાયદા મુજબ ચુકાદો આપે એ ન્યાયની સ્વીકૃત પ્રક્રિયા છે. જો સરકાર કે વહીવટી તંત્ર જ આરોપી નક્કી કરે, સજા નક્કી કરે અને પછી બુલડોઝર ચલાવીને સજા અમલમાં મૂકે તો ન્યાયિક વ્યવસ્થાની જરૂરીયાત જ ક્યાંથી રહે? આજ કારણસર નવેમ્બર ૨૦૨૪ માં સુપ્રિમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી અંગે દેશવ્યાપી માર્ગદર્શિકા જાહેર કરી હતી. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર ગુનાના આરોપના આધારે કોઈનું મકાન તોડી શકાય નહીં. ગેરકાયદે બાંધકામ સામે પણ નોટિસ અને જવાબ આપવાની તક સહિતની કાયદેસરની પ્રક્રિયાનું પાલન પણ કરવું જરૂરી છે.
લોકશાહીમાં સરકાર બંધારણથી ઉપર નથી. સત્તા જેટલી મોટી હોય એટલી જ મોટી તેની જવાબદારી પણ હોય છે. કાયદાનો ડર ગુનેગારોમાં હોવો જોઈએ, સામાન્ય નાગરિકોમાં નહીં. નાગરિકને સરકારની કાર્યવાહી સામે પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળે અને તેને ન્યાય મેળવવાની ખાતરી હોય ત્યારે જ લોકશાહી મજબૂત બને છે.
આખરે સવાલ માત્ર ઉત્તરપ્રદેશનો કે યોગી આદિત્યનાથનો નથી, પરંતુ દેશની શાસન વ્યવસ્થાની દિશાનો છે. શું આપણે એવી લોકશાહી ઈચ્છીએ છીએ જેમાં સરકારની શક્તિ કે સિદ્ધિ બુલડોઝરના અવાજથી માપવામાં આવે કે એવી વ્યવસ્થા જેમાં ન્યાય, બંધારણીય અધિકારો અને વિકાસને પ્રાથમિકતા મળે ? બુલડોઝર સરકારની વહીવટી કામગીરીનું એક સાધન હોઈ શકે છે, પરંતુ તે શાસનનો સિદ્ધાંત બની શકે નહિ. કારણ કે લોકશાહીમાં ન્યાયનો પાયો કાયદો છે, સત્તાનો ડર નહિ. આખરે જુલ્મ એ જુલ્મ જ છે. એનો અંત પણ નિશ્ચિત હોય છે.




