(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
દેશમાં દિવાળીના સમયમાં યાત્રાધામો અને પ્રવાસન ધામોમાં જે ભીડ જોવા મળી એણે આ વખતે તો પ્રવાસ ન કરનારા અને ઘરે બેઠેલા લોકોના પણ જીવ અધ્ધર કરી દીધા છે. દેશના અનેક પ્રવાસન સ્થળોએ અને ધર્મસ્થાનકોએ માનવ મહેરામણનો જે ઘસારો રહ્યો તે છેલ્લા દસેક વર્ષની સરખામણીમાં દિપાવલીના તહેવારોમાં અભૂતપૂર્વ રહ્યો. અને નાના-મોટા છૂટક બનાવોને બાદ કરતાં કોઈ ભીષણ દુર્ઘટનાએ આકાર લીધો નથી, એ દેશનું સદ્ભાગ્ય છે.
કારણ કે દેશની તમામ રાજ્ય સરકારો આ વખતે દિવાળીમાં તો આ ભીડનું નિયંત્રણ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. દસ હજાર લોકોની લાઈન હોય તો એના પર બે પોલીસમેન ઊભા હોય. એટલે કે ઘસારો અનિયંત્રિત જ કહેવાય. જ્યારે કોઈ ગેરસમજ કે સામાન્ય અથડામણથી નવી અફવાનો વંટોળ ફૂંકાય અને ધક્કામુક્કી શરૂ થાય તો એને માટે જવાબદાર કોણ ?
એક નજરે તો એવું લાગે છે કે તેઓ બધા જ (પ્રવાસન ધામો અને તીર્થધામો વાળા) પોતાને આંગણે કોઈ ભીષણ દુર્ઘટનાની પ્રતીક્ષા કરી રહ્યા છે. અને એ રીતે કરોડો ભારતીયોની આસ્થા સાથે રમત કરી રહ્યા છે. અત્યારે દેશમાં એક મોટો એવો વર્ગ હવે અસ્તિત્વમાં આવ્યો છે જે ધર્મયાત્રા અને પ્રવાસનથી ડરવા લાગ્યો છે. આ કોઈ નાસ્તિક વર્ગ નથી. આમાં આર્થિક રીતે સંપન્ન લોકો પણ છે. પરંતુ તેમને ખ્યાલ આવી ગયો છે કે હવે આ બધી યાત્રાઓ કેવા ભયાનક જોખમોનું પગલે પગલે વહન કરી રહી છે.
એટલું જ નહીં પરંતુ આંતરિક રસ્તાઓ અને ધોરીમાર્ગો પરના ટ્રાફિક જામની વળી જુદી કહાની છે. ક્યાંક ચાર-ચાર કલાક તો ક્યાંક આઠ કલાકની આ લાંબી ટ્રાફિક લાઈનોમાં બાળકો અને વડીલોની હાલત દયનીય થઈ જાય છે. ઉપરાંત બંધ કારમાં એસી ચાલુ રાખવાથી ઈંધણ ખલાસ થઈ જાય અને ટ્રાફિક ખુલે ત્યારે કાર સ્થગિત થઈ ને ખાલી ટાંકીને કારણે આગળ ચાલે જ નહિ તો ? આમ દર્શનાર્થીઓની ભીડ કાયમી બની ગઈ હોવા છતાં સરકારોનો હોતા હૈ, ચલતા હૈ એ જ એમનો મંત્ર હોય એવું દેખાય છે.




