મહારાષ્ટ્રમાં નવી વેતન નીતિ લાગુ અઠવાડિયામાં ૪૮ કલાક કામ, સાપ્તાહિક રજા અને ઓવરટાઇમના બમણા દરે મળશે વેતન સરકારી ગેઝેટમાં પ્રકાશન સાથે નવા નિયમો અમલમાં; મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર સુધારાની જાેગવાઈ
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોમાં ૮મા પગાર પંચ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે કર્મચારીઓના વેતન, ભથ્થા અને કામના કલાકો સંબંધિત નવી વેતન નીતિ લાગુ કરી દીધી છે. રાજ્ય સરકારે ૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું અને સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી આ નિયમો સમગ્ર મહારાષ્ટ્રમાં અમલી બન્યા છે. રાજ્યના શ્રમ મંત્રી આકાશ ફુંડકરે બુધવારે આ માહિતી આપી હતી. આ નવા નિયમો રાજ્યના ૧૯૬૩ના લઘુત્તમ વેતન નિયમો અને વેતન ચુકવણી નિયમોનું સ્થાન લેશે, જાેકે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન નક્કી કરવાના કિસ્સામાં તે લાગુ પડશે નહીં.
નવા નિયમો અનુસાર, કંપનીઓએ કર્મચારીઓને પગારની સ્લિપ આપવી ફરજિયાત કરવામાં આવી છે તેમજ પગારમાંથી થતી કપાત સહિતના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરાયા છે. કામના કલાકોની વાત કરીએ તો દૈનિક ધોરણે વેતન મેળવતા કર્મચારીઓ માટે દરરોજ ૮ કલાકનો સમયગાળો નક્કી કરાયો છે, જ્યારે અન્ય પદ્ધતિઓથી વેતન મેળવતા કર્મચારીઓ પાસે અઠવાડિયામાં ૪૮ કલાકથી વધુ કામ કરાવી શકાશે નહીં. દરેક કર્મચારીને અઠવાડિયામાં એક દિવસની ફરજિયાત સાપ્તાહિક રજા મેળવવાનો અધિકાર રહેશે. જાે કોઈ કર્મચારીને નિર્ધારિત રજાના દિવસે કામ કરાવવામાં આવે, તો તેના બદલામાં અન્ય દિવસે રજા આપવી જરૂરી રહેશે અને તે દિવસના કામ માટે સામાન્ય વેતન દર કરતાં ઓછામાં ઓછું બમણું વળતર ચૂકવવું પડશે, જેમાં બેઝિક વેતન અને મોંઘવારી ભથ્થાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, મહારાષ્ટ્ર સરકાર હવે દૈનિક ધોરણે લઘુત્તમ વેતન દરો નક્કી કરશે. તે મુજબ, દૈનિક વેતનને ૮ વડે ભાગીને કલાક દીઠ વેતન અને ૨૬ વડે ગુણીને માસિક વેતન નક્કી કરાશે. મોંઘવારી ભથ્થા (DA)માં વર્ષમાં બે વાર—૧લી એપ્રિલ અને ૧લી ઓક્ટોબર પહેલાં—લેબર બ્યુરો દ્વારા જાહેર થતા ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW)ની સરેરાશના આધારે સુધારો કરવામાં આવશે.




