સ્ટાર્સે ઘરોની બારીઓ સુરક્ષિત કરી ટાઇગર શ્રોફ પર હુમલા બાદ બોલિવૂડમાં ભયનો માહોલ લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકીઓ અને ફાયરિંગના પગલે કલાકારોએ જાહેર કાર્યક્રમોમાં જવાનું ટાળ્યું; સુરક્ષા વધારાઈ અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા ગોળીબારની ઘટના બાદ બોલિવૂડ જગતમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કલાકારોએ પોતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ઘરોની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે અને ઘરની બારીઓના કાચ પણ બુલેટપ્રુફ બનાવવાની કવાયત હાથ ધરી છે. સુરક્ષાના કારણોસર ફિલ્મ સ્ટાર્સે હવે બુલેટપ્રુફ કાર ખરીદવા ઉપરાંત પાપારાઝીઓથી પણ ચોક્કસ અંતર જાળવવાનું શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ, સલમાન ખાન, આમિર ખાન તેમજ જાણીતા ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના નિવાસસ્થાનોની આસપાસ પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળી રહેલી સતત ધમકીઓને કારણે કલાકારો ભારે ચિંતિત બન્યા છે. અક્ષય કુમાર પાસે ‘એક્સ’ કેટેગરીની જ્યારે સલમાન ખાન પાસે ‘વાય’ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા પહેલેથી જ કાર્યરત છે. સલમાન ખાન સાથે અગાઉ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બે અભિનેત્રીઓ પણ પ્રવર્તમાન સુરક્ષા સ્થિતિને લઈને ચિંતામાં હોવાનું સામે આવ્યું છે. સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર’માં કામ કરી ચૂકેલા એક અભિનેતાને તેમના પરિવારજનો દ્વારા ઘરની બહાર ન નીકળવાની કડક સલાહ આપવામાં આવી રહી છે. સુરક્ષા સંકટને ધ્યાનમાં રાખીને અનેક મોટા જાહેર કાર્યક્રમો પણ હાલ પૂરતા મુલતવી રાખવામાં આવી રહ્યા છે.




