રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે AAPના પ્રદેશ સંગઠન મંત્રી ડો. કરન બારોટે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ખાદ્ય ચીજોની મોંઘવારી 8% અને જથ્થાબંધ મોંઘવારી 12% ને પાર પહોંચી ગઈ છે, છતાં ભાજપના નેતાઓને ગરીબોના ઘરમાં ચૂલો સળગે છે કે નહીં તેની કોઈ ચિંતા નથી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ભૂતકાળમાં જે મોંઘવારીને ભાજપના નેતાઓ “ડાયન” કહેતા હતા, તે જ મોંઘવારી આજે તેમની “ડાર્લિંગ” બની ગઈ છે, અને કાળાબજારી કરતા વેપારીઓની નફાખોરીના કારણે મોંઘવારી બેફામ વધી રહી છે. આ સાથે જ, AAPના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે કોઈપણ સ્તરે મોંઘવારી નિયંત્રણમાં નથી ત્યારે સરકાર શું કરી રહી છે? તેમણે ગુજરાતના નેતાઓને જાડી ચામડીના ગણાવતા ઉમેર્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચારીઓ અને બુટલેગરો સુખી છે જ્યારે સામાન્ય જનતા દુઃખી છે, પરંતુ તેમને આશા છે કે કલેક્ટર સામાન્ય લોકોની આ વ્યથા ચોક્કસ સમજશે.




