દિલજીતના કોન્સર્ટથી અમદાવાદમાં મોંઘવારીનો માર દિલજીતના કોન્સર્ટની ટિકિટો જ નહીં, ફ્લાઇટ અને હોટલ પણ મોંઘી ૨૧ નવેમ્બરના કોન્સર્ટ પહેલાં ફ્લાઇટના ભાડા ૪૦ હજાર અને હોટલના રૂમ ૩૫ હજાર સુધી પહોંચ્યા પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના ચાહકોમાં તેમના અમદાવાદ કોન્સર્ટને લઈને ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. કોન્સર્ટને કારણે શહેરમાં સંગીતપ્રેમીઓની ભીડ ઉમટવાની શક્યતા છે. જાેકે, આ કાર્યક્રમની અસર હવે માત્ર ટિકિટના ભાવ સુધી સીમિત રહી નથી, પરંતુ ફ્લાઇટ અને હોટલના ભાડામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે.અમદાવાદમાં ૨૧ નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝનો ભવ્ય કોન્સર્ટ યોજાવાનો છે. આ કાર્યક્રમ માટે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ઇન્દોર સહિતનાં શહેરોમાંથી લોકો અમદાવાદ આવી રહ્યા છે. જેના કારણે સામાન્ય દિવસોમાં રૂપિયા ૩,૫૦૦થી રૂપિયા ૮,૦૦૦માં મળતી ફ્લાઇટ ટિકિટના ભાવ વધીને રૂપિયા ૧૭,૦૦૦થી રૂપિયા ૪૦,૦૦૦ સુધી પહોંચી ગયા છે. કેટલીક રૂટ પર ભાડામાં ૬થી ૭ ગણો વધારો નોંધાયો છે.એક ટ્રાવેલ એજન્સીના માલિકના જણાવ્યા અનુસાર, ફ્લાઇટના ભાડામાં અસાધારણ વધારો થયો છે. સ્થિતિ એવી છે કે સામાન્ય દિવસોમાં જેટલા ભાડામાં અનેક ટિકિટ મળી શકે, તેટલા ભાડામાં હવે એક જ ટિકિટ મળી રહી છે. કોન્સર્ટ ઉપરાંત ઘરેલુ કામકાજ અને બિઝનેસ મીટિંગ માટે અમદાવાદ આવતા મુસાફરોને પણ આ મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે.ફ્લાઇટની સાથે હોટલના રૂમના ભાડામાં પણ બેથી ત્રણ ગણો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં રૂપિયા ૫,૦૦૦થી રૂપિયા ૧૩,૦૦૦માં મળતા હોટલ રૂમ માટે હવે રૂપિયા ૧૫,૦૦૦થી રૂપિયા ૩૫,૦૦૦ સુધી ચૂકવવા પડી રહ્યા છે. શહેરની જાણીતી હોટલોમાં પણ બુકિંગની માંગમાં મોટો વધારો થયો છે.ધ ગ્રાન્ડ ભગવતી હોટલના માલિક નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે મોટા મ્યુઝિક કોન્સર્ટથી અમદાવાદના હોટલ ઉદ્યોગને મોટો ફાયદો થઈ રહ્યો છે. બહારથી આવતા લોકો કોન્સર્ટ માણવાની સાથે અમદાવાદ અને આસપાસનાં પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લે છે, જેના કારણે હોટલ, ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રને વેગ મળે છે.




