‘ડિગંતારા’ના અહેવાલમાં મોટો ખુલાસો ‘ઓપરેશન સિંદૂર’ સમયે ગુજરાતના દરિયાકાંઠા પર ચીનના ૩ જાસૂસી ઉપગ્રહોની નજર ભુજ, નલિયા અને જામનગર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયાનો દાવો; ઉપગ્રહની ગતિવિધિ બમણી થયાનો ઉલ્લેખ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન કચ્છ સહિત ગુજરાતના સંવેદનશીલ દરિયાકાંઠા અને સરહદી વિસ્તારો પર ચીનના ત્રણ અત્યાધુનિક જાસૂસી ઉપગ્રહો દ્વારા દેખરેખ રાખવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે. બેંગલુરુ સ્થિત અંતરિક્ષ દેખરેખ કંપની ‘ડિગંતારા’ (Digantara) ના અહેવાલને ટાંકીને ‘ધ પ્રિન્ટ’માં પ્રકાશિત વિગતો મુજબ ચીનના નિન્શિયા-૧૪, ગાઓફેન-૧૧ અને યાઓગાન-૩૦ ઉપગ્રહોએ ખાસ કરીને ભુજ, નલિયા અને જામનગર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
અહેવાલમાં એવો પણ ખુલાસો કરાયો છે કે ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ થયેલા પહેલગામ આતંકી હુમલાના ૬ દિવસ પહેલાં એક ચીની ઉપગ્રહે પહેલગામ વિસ્તાર પરથી પસાર થવાની પોતાની ગતિવિધિ બમણી કરી દીધી હતી. જ્યારે ૧૦ અને ૧૧ મે દરમિયાન આ ઉપગ્રહોની ગુજરાતના દરિયાકાંઠા પર વિશેષ સક્રિયતા જાેવા મળી હતી.
આ ઉપગ્રહો હિંદ મહાસાગરથી લઈને ભારતના આંતરિક ભાગો સુધી આર્મી, એરફોર્સ અને નેવીની હિલચાલ તેમજ મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાઓનું નિરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળી તસવીરો લેવા ઉપરાંત રેડિયો ફ્રીક્વન્સી અને ઇલેક્ટ્રોનિક સિગ્નલોનું વિશ્લેષણ કરવાની ટેકનોલોજી દ્વારા લશ્કરી મથકો, એરબેઝ, બંદરો, જહાજાેની અવરજવર અને ઔદ્યોગિક એકમો પર નજર રાખી શકાય છે.
નિન્શિયા-૧૪: રેડિયો અને ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ્સનું નિરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે.
ગાઓફેન-૧૧: ઉચ્ચ ગુણવત્તાની તસવીરો મારફતે હવાઈ મથકો, વિમાનો, જહાજાે અને બંદરોની ગતિવિધિઓ પર નજર રાખે છે.
યાઓગાન-૩૦: રડાર સિગ્નલ્સ સહિતની ઇલેક્ટ્રોનિક ગતિવિધિઓનું નિરીક્ષણ કરી શકે છે.
પાકિસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છના ભુજ અને નલિયામાં ભારતીય વાયુસેનાના મહત્ત્વપૂર્ણ મથકો આવેલા હોવાથી તેનું વ્યૂહાત્મક મહત્ત્વ વધુ છે. અહેવાલ મુજબ, ઓપરેશન સિંદૂર દરમિયાન ભુજ, નલિયા અને કચ્છના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલાની ચેતવણીઓ, બ્લેકઆઉટ તેમજ હવાઈ અને બંદર સેવાઓ પર અસર જાેવા મળી હતી.
બીજી તરફ, ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા ગુજરાતના ૨૦ સરહદી ગામોમાં સુરક્ષા વ્યવસ્થાની ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરવા માટે ગુજરાત પોલીસના ૧૦ વરિષ્ઠ IPS અધિકારીઓ ૨૬ અને ૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બે દિવસની વિશેષ મુલાકાતે જશે. કચ્છ, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના આ સરહદી ગામોમાં અધિકારીઓ સ્થાનિક રહીશોના ઘરોમાં રાત્રિરોકાણ કરીને પ્રજાજનો અને ફરજ પરના પોલીસ જવાનોની સમસ્યાઓ પ્રત્યક્ષ રીતે સાંભળશે.




