(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારતની વિવિધ રમતોમાં એક છે ક્રિકેટ અને તે દેશની એકતા, વિવિધતા અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. ક્રિકેટના મેદાનમાં જ્યારે કોઈ ખેલાડી ભારતની જર્સી પહેરીને ઉતરે છે ત્યારે તેની ઓળખ કોઈ ધર્મ, જાતિ કે સંપ્રદાયથી નહીં, પરંતુ એક ભારતીય ખેલાડી તરીકે હોય છે. તેની છાતી પરનો તિરંગો જ તેની સૌથી મોટી ઓળખ હોય છે. પરંતુ અફસોસની વાત એ છે કે, હવે ક્રિકેટના મેદાનમાં લેવાતા પસંદગીના નિર્ણયો પણ ધર્મ અને રાજકારણની ચર્ચામાં ખેંચાઈ રહ્યા છે. મોહમ્મદ સિરાજ અને સરફરાઝ ખાન જેવા ખેલાડીઓની પસંદગી અને ટીમમાં સ્થાન અંગે સોશિયલ મીડિયા પર ઊભા થયેલા વિવાદે ફરી એકવાર આ ગંભીર સવાલ દેશની સામે મૂકી દીધો છે કે શું હવે ભારતીય ક્રિકેટમાં ખેલાડીની પ્રતિભા કરતાં તેની ધાર્મિક ઓળખ વધુ ચર્ચાનો વિષય બનશે?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક રીલમાં મોહમ્મદ સિરાજ અને સરફરાઝ ખાનને ભારતીય ટેસ્ટ ક્રિકેટની ટીમની બહાર રાખવાના મુદ્દાને મોટો સવાલ બનાવીને રજૂ કરવામાં આવ્યો છે. આ સાથે ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરની ભૂમિકા અને પસંદગીના નિર્ણય સામે પણ ચર્ચા ઊભી થઈ છે. અલબત્ત, કોઈ ખેલાડીને અંતિમ અગિયારમાં સ્થાન ન મળવું અને તેને આખી ટીમમાંથી પડતો મૂકવો એ બે અલગ બાબતો છે. એટલું જ નહિ બન્ને ખેલાડીઓએ ક્રિકેટ જગતમાં આગવી ઓળખ ઊભી કરી છે.
ત્યારે ભારતીય ક્રિકેટને આજે ધર્મના નામે વહેંચવાની નહીં, પરંતુ પ્રતિભાના આધારે આગળ વધારવાની જરૂર છે. ક્રિકેટના મેદાનમાં ખેલાડીના હાથમાં બેટ હોય કે બોલ, તેની નજર વિકેટ અને જીત પર હોવી જોઈએ, ધર્મની ઓળખ પર નહીં. ભારતની જીત કોઈ એક ધર્મની જીત નથી, તે સવા અબજથી વધુ ભારતીયોની લાગણી અને ગૌરવની જીત છે. તેથી ક્રિકેટને રાજકીય અને કોમવાદી અખાડો બનાવવાનું બંધ થવું જોઈએ. ખેલાડીની ઓળખ તેના ધર્મથી નહીં, તેના પ્રદર્શન અને તેની કાબેલિયતથી થવી જોઈએ. કારણ કે તિરંગાની નીચે રમતા દરેક ખેલાડીની પ્રથમ અને અંતિમ ઓળખ ભારતીય હોવી જોઈએ.




