આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ તાનાશાહીની તમામ હદો વટાવી દીધી છે અને હવે મહિલાઓને પણ છોડવામાં આવતી નથી. હર્ષ સંઘવી છોટા ઉદેપુરના પ્રવાસે છે અને આદિવાસીઓને રીઝવવા માટે વિસ્તારમાં અનેક પ્રકારના તાયફાઓ અને નાટકો કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ આદિવાસી સમાજની દીકરી અને આદિવાસીઓનો અવાજ બનનાર નેતા રાધિકાબેન રાઠવાને છેલ્લા બે દિવસથી સતત પરેશાન કરી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવ્યા છે. છોટા ઉદેપુરની અનેક સમસ્યાઓને વાચા આપનાર રાધિકાબેનથી ભાજપને એવો તો શું ડર છે કે ‘બેટી બચાવો’ના નારા લગાવનાર પાર્ટી એક દીકરીથી ડરી રહી છે અને એક મહિલા પોતાના ઘરે પણ રહી શકતી નથી?
મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ ભાજપના નેતાઓ કોઈ વિસ્તારના પ્રવાસે જાય ત્યારે ત્યાંના સ્થાનિક નેતાઓ, કાર્યકર્તાઓ અને વિપક્ષના આગેવાનોને ડિટેઇન કરવાનું કામ પોલીસ અને ભાજપ દ્વારા કરવામાં આવે છે, જે અત્યંત શરમજનક છે. આદિવાસી વિસ્તારમાં ચાલી રહેલા આ નાટકો જનતા જોઈ રહી છે અને હવે ભાજપને મત આપનાર મતદારો પણ તેમનાથી નારાજ થઈ રહ્યા છે. તેમણે ખાસ વિનંતી કરતા માંગ કરી હતી કે રાધિકાબેન રાઠવાને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને તેમને આવી રીતે હેરાન કરવાનું બંધ કરવામાં આવે, નહીંતર આદિવાસી સમાજ અને ગુજરાતની જનતા આ કૃત્યોને ક્યારેય માફ નહીં કરે.




