ગુજરાત 29 નવેમ્બર 2026, રવિવારના રોજ ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ (SOC)ના ઐતિહાસિક 100મા સંસ્કરણની રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે સજ્જ છે. ગુજરાતનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદના પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ખાતે યોજાશે, જેમાં ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ પ્રસંગે સાંસદો, ધારાસભ્યો, ખેલાડીઓ, ફિટનેસપ્રેમીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે.
સન્ડેઝ ઓન સાયકલનું 100મું સંસ્કરણ દેશભરના 100 પ્રતિષ્ઠિત સ્થળોએ એકસાથે ઉજવવામાં આવશે. આ ઐતિહાસિક પ્રસંગે હજારો નાગરિકો એકસાથે જોડાઈને ફિટનેસ, એકતા અને ભારતની ઓલિમ્પિક આકાંક્ષાઓની ઉજવણી કરશે.
ગુજરાતમાં આ પ્રસંગે ચાર મુખ્ય સ્થળોએ સાયકલિંગ કાર્યક્રમો યોજાશે:
અમદાવાદ: કાંકરિયા તળાવ
વડોદરા: આનંદ વિદ્યા વિહાર સ્કૂલ
સુરત: પોલીસ પરેડ ગ્રાઉન્ડ
ભાવનગર: વોટર ટાંકી (પાણીની ટાંકી), ભાવનગર
અમદાવાદ ખાતે યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં શહેરના વિવિધ મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતા માનનીય સાંસદો અને ધારાસભ્યો ઉપરાંત નાગરિકો, યુવાનો, ખેલાડીઓ અને ફિટનેસપ્રેમીઓ પણ ભાગ લેશે.
રાષ્ટ્રીય સ્તરે મુખ્ય કાર્યક્રમનું નેતૃત્વ માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પિંપરી-ચિંચવડ, પુણે ખાતે કરશે. દેશભરમાં 1.5 લાખથી વધુ માય ભારત સ્વયંસેવકો આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેશે. સહભાગીઓ ‘નશા મુક્ત ભારત’ની પ્રતિજ્ઞા પણ લેશે.
સન્ડેઝ ઓન સાયકલનું 100મું સંસ્કરણ ઓલિમ્પિકના ત્રણ મૂળભૂત મૂલ્યો ઉત્કૃષ્ટતા (Excellence), સન્માન (Respect) અને મિત્રતા (Friendship) ને સમર્પિત છે. આ સંસ્કરણની થીમ “Pedalling Towards India’s Olympic Dream” (ભારતના ઓલિમ્પિક સપના તરફ સાયકલિંગ) છે.
આ કાર્યક્રમનો હેતુ ભારતની રમતગમતની શ્રેષ્ઠતાની ઉજવણી કરવાનો, દેશમાં ફિટનેસની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનો અને ભવિષ્યમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાની ભારતની આકાંક્ષાને પ્રોત્સાહન આપવાનો છે.
ડિસેમ્બર 2024માં ડૉ. મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ પહેલ આજે રાષ્ટ્રવ્યાપી જનઆંદોલન બની ગઈ છે. આ પહેલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંદેશ “ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજ” અને સ્થૂળતા સામેની લડતને આગળ ધપાવે છે.
આ પહેલ સાયકલિંગને શારીરિક પ્રવૃત્તિના સરળ, ટકાઉ અને સૌ માટે સુલભ માધ્યમ તરીકે પ્રોત્સાહિત કરે છે. તેનો હેતુ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, નિષ્ક્રિય જીવનશૈલીથી દૂર રહેવા અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરવાનો છે.
100મું સંસ્કરણ પાયાના સ્તરે ફિટનેસ અને રમતગમતમાં ભાગીદારીને ભારતના વ્યાપક રમતગમતના વિઝન સાથે જોડવાની એક મહત્વપૂર્ણ તક છે. તેના માધ્યમથી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવાના ભારતના સ્વપ્નને પણ પ્રોત્સાહન મળશે.
ગુજરાતમાં તમામ કાર્યક્રમો સવારે 6:00 વાગ્યે શરૂ થશે. સહભાગીઓને સવારે 5:30 વાગ્યા સુધીમાં કાર્યક્રમ સ્થળે પહોંચવા વિનંતી કરવામાં આવે છે. કાર્યક્રમમાં સામૂહિક સાયકલિંગ રેલી, ફિટનેસ પ્રવૃત્તિઓ, સામુદાયિક ભાગીદારી તથા ખેલાડીઓ અને રમતપ્રેમીઓ સાથે સંવાદનો સમાવેશ થશે.
ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ગુજરાતના તમામ નાગરિકોને આ ઐતિહાસિક ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને સ્વસ્થ, મજબૂત તથા ફિટ ભારતના નિર્માણમાં યોગદાન આપવા આમંત્રણ આપે છે.
કાર્યક્રમની વિગતો
તારીખ: રવિવાર, 29 નવેમ્બર 2026
રિપોર્ટિંગ સમય: સવારે 5:30 વાગ્યે
કાર્યક્રમનો પ્રારંભ: સવારે 6:00 વાગ્યાથી
કાર્યક્રમ સ્થળો:
કાંકરિયા તળાવ, અમદાવાદ
આનંદ વિદ્યા વિહાર સ્કૂલ, વડોદરા
પોલીસ પરેડ ગ્રાઉન્ડ, સુરત
વોટર ટાંકી (પાણીની ટાંકી), ભાવનગર
થીમ: ભારતના ઓલિમ્પિક સપના તરફ સાયકલિંગ
સંદેશ: “CWG કી તૈયારી હૈ, પર અબ ઓલિમ્પિક્સ કી બારી હૈ!”
ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ | ભારતીય રમતગમત સત્તામંડળ (SAI)




