(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારતીય બંધારણના નિષ્ણાતોના મતે, ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૬૮ હેઠળ બંધારણીય સુધારા વિધેયક પસાર કરવાની પ્રક્રિયા અત્યંત જટિલ અને કડક છે. રાજ્યોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંખ્યા વધારવા માટે પરિસીમન (હદ નક્કી કરવી) કરાવવું અનિવાર્ય છે. અને તે જ રીતે સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ૩૩ ટકા સુધી લઈ જવા માટે પણ બંધારણમાં સુધારો કરવો જરૂરી છે.
સામાન્ય વિધેયકો ૫૦ ટકાથી વધુ સભ્યોની સાદી બહુમતીથી પસાર થઈ શકે છે, પરંતુ બંધારણમાં ફેરફાર કરવા માટે વિશેષ બહુમતીની શરત લાગુ પડે છે. આ જોગવાઈ મુજબ, મતદાનના દિવસે ગૃહના કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા સભ્યોની હાજરી અનિવાર્ય છે. અને હાજર રહીને મતદાન કરનારા સભ્યોમાંથી બે- તૃતીયાંશ સભ્યોનું સમર્થન મેળવવું ફરજિયાત છે. આ ઉપરાંત, જો કોઈ બંધારણીય સુધારો દેશના સંઘીય માળખા, સત્તાની વહેંચણી કે સંસદમાં રાજ્યોના પ્રતિનિધિત્વના માળખામાં ફેરફાર કરતો હોય, તો સંસદની વિશેષ બહુમતી ઉપરાંત દેશની ઓછામાં ઓછી અડધી રાજ્ય વિધાનસભાઓની સાદી બહુમતીથી મંજૂરી મેળવવી પણ જરૂરી બને છે.
આમ આ બંને ઐતિહાસિક વિધેયકોને કાયદાનું સ્વરૂપ આપવું એ સરકાર માટે કોઈ સરળ કાર્ય નથી, કારણ કે તેના માટે સંસદના બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતીનો કઠિન આંકડો પાર કરવો જરૂરી છે. આ સમગ્ર પ્રક્રિયામાં બંધારણીય નિયમો, ગૃહમાં સભ્યોની હાજરી, પ્રાદેશિક પક્ષોનું વલણ અને બળવાખોર સાંસદોની ભૂમિકા અત્યંત નિર્ણાયક સાબિત થવાના છે.
ત્યારે પોતાનું ધાર્યું કરવા માટે જાણીતા ભાજપના હાઈકમાન્ડે વિપક્ષોની એકતાને વેરણ છેરણ કરી બાજી પલટી છે. અને ભારતના નવા ભાગલા પાડતાં પહેલાં "ઈન્ડિયા" માં ભાગલા પાડીને લોકશાહી ના ચીરહરણ ને જીવંત કર્યું.




