શિરડી સાંઈબાબાના ચરણે કરોડોનું ગુપ્ત દાન મુંબઈના ભક્તે સાંઈબાબાના ચરણે ૧ કિલો વજનનો હીરાજડિત સોનાનો હાર અર્પણ કર્યો શિરડી સાંઈબાબાને અન્ય ભક્તે કિલો ચાંદીના બિસ્કીટ ચઢાવ્યાં
મહારાષ્ટ્રના પ્રસિદ્ધ શિરડી સાંઈબાબા મંદિરમાં ભક્તો દ્વારા કરવામાં આવેલા કિંમતી દાનની ચર્ચા શરૂ થઈ છે. બે ભક્તોએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે સાંઈબાબાના ચરણે અમૂલ્ય ભેટ અર્પણ કરી છે. એક ભક્તે આશરે ૧ કિલો વજનનો હીરાજડિત સોનાનો હાર અર્પણ કર્યો છે, જ્યારે અન્ય ભક્તે ૨ કિલો ચાંદીના બિસ્કીટનું દાન કર્યું છે.
મંદિર ટ્રસ્ટ પાસેથી મળેલી માહિતી અનુસાર, મુંબઈના એક ભક્તે સાંઈબાબાને હીરાજડિત સોનાનો હાર અર્પણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ માટે તેમણે મંદિર ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો અને પોતાનું નામ જાહેર ન કરવાની વિનંતી કરી હતી. આશરે ૧ કિલો વજન ધરાવતા આ હારની કિંમત મંદિર ટ્રસ્ટ દ્વારા રૂ. ૧.૧૬ કરોડ આંકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
બીજા એક ભક્તે પોતાની માનતા પૂર્ણ થતાં સાંઈબાબાના ચરણે ૨ કિલો ચાંદીના બિસ્કીટ અર્પણ કર્યા છે. આ ભક્તે પણ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની વિનંતી કરી હતી. આ ચાંદીની કિંમત રૂ. ૩ લાખથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે.
થોડા સમય પહેલાં તિરુપતિના તિરુમલા મંદિરમાં એક ભક્ત દ્વારા ૧૨૧ કિલો સોનાના ઘરેણાં અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ વિશાળ દાન બાદ હવે શિરડી સાંઈબાબા મંદિરમાં થયેલા કિંમતી ગુપ્ત દાનની ચર્ચા થઈ રહી છે. દેશભરના શ્રદ્ધાળુઓ માટે આ દાન ભક્તિ અને શ્રદ્ધાનું અનોખું ઉદાહરણ બન્યું છે.




