સીજેપીના સૌરવ દાસનો દાવો આ તોફાન પહેલાની શાંતિથી છે, હવે જે થશે તેમાં ભાજપ સરકાર ડુબી જશે CJP નું આંદોલન ઠંડું પડ્યું નથી, નવી રણનીતિ ઘડાઈ રહી છે; સંગઠન વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યાનો દાવો કોક્રોચ જનતા પાર્ટી (CJP)નું આંદોલન ઠંડું પડી ગયું હોવાની ચર્ચાઓ વચ્ચે પાર્ટીના સહસંયોજક સૌરવ દાસે મોટો દાવો કર્યો છે. એક મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે હાલની શાંતિ એ તોફાન પહેલાંની શાંતિ છે અને આગામી સમયમાં એવું આંદોલન ઊભું થશે જે ભાજપ સરકારને સત્તામાંથી હટાવી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સંગઠનનું આંદોલન સમાપ્ત થયું નથી, પરંતુ નવી રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.
એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સૌરવ દાસને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ શરૂ કરાયેલા આંદોલનની વર્તમાન સ્થિતિ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે આંદોલનને વિરામ મળ્યો નથી, પરંતુ સંગઠન આગામી લડત માટેની તૈયારી કરી રહ્યું છે. હાલ સંગઠનના વિસ્તરણ અને નવી વ્યૂહરચના ઘડવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સૌરવ દાસે સરકારની કામગીરી અને રાજકીય વ્યવસ્થા સામે પણ આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, દેશમાં સિસ્ટમની સ્થિતિ કથળી રહી છે અને યુવાનોના વિચારો તથા અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ ઓક્સફર્ડ યુનિયનમાં મહાત્મા ગાંધી અંગે પોતાના વિચારો રજૂ કરવા જવાના હતા, પરંતુ કેન્દ્રની ભાજપ સરકારે તેમને વિદેશ જતાં અટકાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે CJP દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. આંદોલન દરમિયાન કાયદાના ભંગના આરોપસર સૌરવ દાસ અને આશુતોષ રંકાને સાત દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. ત્યારબાદ દિવાળી પહેલાં અભિજીત દીપકીએ વીડિયો મારફતે સમર્થકોને પરિવાર સાથે તહેવાર ઉજવવા અને દિવાળી બાદ ફરી સક્રિય થવા અપીલ કરી હતી. જાેકે, ત્યારથી સંગઠન તરફથી કોઈ મોટી આંદોલનાત્મક જાહેરાત કરવામાં આવી નથી.
બીજી તરફ, સૌરવ દાસ છેલ્લા કેટલાક સમયથી તેમના પાસપોર્ટમાં જન્મસ્થળની વિગતો અંગે ઊભા થયેલા વિવાદને લઈને પણ ચર્ચામાં છે. અહેવાલો મુજબ, તેમને એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા અને પાસપોર્ટમાં જન્મસ્થળની વિગતો અંગે વિસંગતિ હોવાની વાત સામે આવી હતી. જાેકે, સૌરવ દાસે પાસપોર્ટમાં કોઈ ગડબડ ન હોવાનો દાવો કર્યો છે. તેમના મતે, દિલ્હી અથવા પુડુચેરીમાં જન્મસ્થળની વિગતો અંગે કોઈ વિસંગતિ હોય તો તેના આધારે પાસપોર્ટ જપ્ત કરવો કે વિદેશપ્રવાસ અટકાવવો યોગ્ય નથી. હાલ CJP ના આગામી કાર્યક્રમો અંગે સત્તાવાર જાહેરાતની રાહ જાેવાઈ રહી છે. સૌરવ દાસના નિવેદન બાદ સંગઠન ફરી કઈ રીતે સક્રિય બને છે અને તેની નવી રણનીતિ શું હશે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.




