ભારતીય મહિલા હોકી ટીમનો ઇતિહાસ ભારતે ચીનને હરાવી રેકોર્ડ ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ભોપાલમાં ફાઇનલમાં ભારતનો ૩-૧થી વિજય; દીપિકાના બે ગોલ, ઇશિકાએ પણ નોંધાવ્યો ગોલ ભારતીય મહિલા હોકી ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. ભોપાલમાં રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬ની ફાઇનલમાં ભારતે ચીનને ૩-૧થી હરાવીને રેકોર્ડ ચોથી વખત ટાઇટલ જીત્યું છે. આ સાથે ભારતીય મહિલા ટીમ આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ વખત ચેમ્પિયન બનનારી ટીમ બની ગઈ છે. ખાસ વાત એ છે કે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમ અજેય રહી હતી.
૨૮ નવેમ્બરના રોજ રમાયેલી ફાઇનલમાં ચીને પ્રથમ હાફમાં સરસાઈ મેળવીને ભારત પર દબાણ ઊભું કર્યું હતું. શરૂઆતમાં ભારતીય ખેલાડીઓના પાસિંગ અને ટીમ સંકલનમાં કેટલીક ખામીઓ જાેવા મળી હતી. ચીનના મજબૂત ડિફેન્સ સામે ભારતીય ટીમને ગોલ કરવામાં મુશ્કેલી પડી હતી.
જાેકે, બીજા હાફમાં ભારતીય ખેલાડીઓએ રમતની દિશા બદલી નાખી હતી. આક્રમક રમત અને શાનદાર ટીમવર્કના આધારે ભારતે એક પછી એક ગોલ કરીને ૩-૧થી મુકાબલો પોતાના નામે કર્યો હતો.
ફાઇનલમાં ભારતીય ટીમની જીતમાં દીપિકાની ભૂમિકા નિર્ણાયક રહી હતી. તેણે બે શાનદાર ગોલ નોંધાવ્યા હતા, જ્યારે ઇશિકાએ એક ગોલ કરીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. શાનદાર પ્રદર્શન બદલ દીપિકાને ફાઇનલની પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
દીપિકા સમગ્ર ટુર્નામેન્ટમાં પણ સૌથી વધુ ગોલ કરનારી ખેલાડી રહી હતી. તેણે કુલ ૧૦ ગોલ નોંધાવ્યા હતા, જેમાં નવ પેનલ્ટી કોર્નર અને એક ફિલ્ડ ગોલનો સમાવેશ થાય છે.
ભારતીય મહિલા ટીમે ફાઇનલ પહેલાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાઉન્ડ રોબિન તબક્કામાં ભારતે ચીનને ૬-૨થી હરાવી પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો.
ફાઇનલમાં પણ ચીનને હરાવી ભારતે ટાઇટલ પર કબજાે જમાવ્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમે સતત ત્રીજી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. વર્ષ ૨૦૨૬ ભારતીય મહિલા હોકી માટે અનેક સિદ્ધિઓથી ભરેલું રહ્યું છે. ટીમે એશિયન ગેમ્સમાં ૪૪ વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત FIH નેશન્સ કપમાં પણ ચેમ્પિયન બની હતી. મહિલા હોકી વર્લ્ડ કપમાં ૫૨ વર્ષમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં પાંચમું સ્થાન મેળવ્યું હતું. આ પ્રદર્શનના આધારે ભારતીય ટીમે ૨૦૨૮ના લોસ એન્જલસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કર્યું હતું.
ભારતીય મહિલા હોકી ટીમે આ વર્ષે વિશ્વ રેન્કિંગમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી હતી. વર્ષની શરૂઆત નવમા સ્થાને કરનાર ટીમ ઓગસ્ટમાં વર્લ્ડ કપના પ્રદર્શન બાદ આઠમા સ્થાને પહોંચી હતી. ત્યારબાદ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સાતમું સ્થાન મેળવ્યું હતું.
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ચીન સામે ૬-૨ અને જાપાન સામે ૪-૦થી જીત નોંધાવ્યા બાદ ભારતીય ટીમ વિશ્વ રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી હતી. ભારતીય મહિલા હોકી ટીમના ઇતિહાસમાં આ અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્થાન છે. હવે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ચોથો ખિતાબ જીતીને ભારતીય ખેલાડીઓએ વર્ષ ૨૦૨૬નું સમાપન વધુ એક યાદગાર સિદ્ધિ સાથે કર્યું છે.




