સરહદ ડેરીમાં દૂધ સંગ્રહ ૫,૫૦૦ લિટરે પહોંચ્યો કચ્છની ઊંટડીના દૂધની ચોકલેટની વડાપ્રધાન મોદીએ કરી પ્રશંસા સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને તૈયાર થતી આવી પ્રોડક્ટ્સ ખેડૂતો, પશુપાલકો અને યુવા ઉદ્યોગસાહસિકો માટે નવી તકો ઊભી કરી રહી છે ગુજરાતના કચ્છની ઓળખ હવે માત્ર રણ અને ઊંટ પૂરતી સીમિત રહી નથી, પરંતુ અહીંની ઊંટડીના દૂધમાંથી બનતી ચોકલેટે પણ દેશભરમાં આગવી ઓળખ ઊભી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાતના ૧૪૦મા એપિસોડમાં કચ્છના ઊંટડીના દૂધ અને તેમાંથી બનતી વિવિધ પ્રોડક્ટ્સનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને તૈયાર થતી આવી પ્રોડક્ટ્સ ખેડૂતો, પશુપાલકો અને યુવા ઉદ્યોગસાહસિકો માટે નવી તકો ઊભી કરી રહી છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના કચ્છમાં ઊંટપાલકો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા ઊંટડીના દૂધનો ઉપયોગ અમૂલ દ્વારા વિવિધ પ્રોડક્ટ્સ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમાં ઊંટડીના દૂધની ચોકલેટ, કેસર ફ્લેવર્ડ મિલ્ક અને રાજભોગ આઇસક્રીમનો સમાવેશ થાય છે. સ્થાનિક દૂધનો મૂલ્યવર્ધિત ઉપયોગ કરીને પશુપાલકોની આવક વધારવાની દિશામાં આ પહેલ મહત્ત્વપૂર્ણ બની રહી છે. કચ્છમાં ઊંટડીના દૂધની વધતી માંગનો અંદાજ સરહદ ડેરીના આંકડાઓ પરથી પણ લગાવી શકાય છે. વડાપ્રધાનના જણાવ્યા મુજબ, સરહદ ડેરીમાં ઊંટડીના દૂધનો દૈનિક સંગ્રહ અગાઉના ૧,૩૦૦ લિટરથી વધીને આશરે ૫,૫૦૦ લિટર સુધી પહોંચ્યો છે. વર્ષ ૨૦૧૭-૧૮ની સરખામણીએ આ ચાર ગણાથી પણ વધુ વધારો દર્શાવે છે.
ઊંટડીનું દૂધ હવે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તેવા પેકિંગમાં પણ ઉપલબ્ધ બન્યું છે. આ ઉપરાંત તેમાંથી પાવડર બનાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. પરિણામે કચ્છની બહાર રહેતા ગ્રાહકો સુધી પણ આ દૂધ અને તેમાંથી બનતી પ્રોડક્ટ્સ પહોંચાડવાનું સરળ બન્યું છે.
ઊંટડીના દૂધમાં પોષક તત્ત્વો હોવાને કારણે તેને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે ગાયના દૂધ કરતાં લેક્ટોઝનું પ્રમાણ ઓછું હોઈ શકે છે અને તેની ચરબી તથા કોલેસ્ટ્રોલની માત્રા પણ દૂધની રચના પ્રમાણે અલગ હોય છે. કેટલાક અભ્યાસોમાં ઊંટડીના દૂધ અને બ્લડ શુગરના નિયંત્રણ વચ્ચે સંભવિત સંબંધ અંગે સંશોધન થયું છે. જાેકે, ડાયાબિટીસની સારવાર માટે તેને દવાનો વિકલ્પ માનવો યોગ્ય નથી. મન કી બાતમાં વડાપ્રધાને ભારતીય ચોકલેટ ઉદ્યોગની પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ગયા વર્ષે ચોકલેટ અને કોકોથી બનેલી વસ્તુઓની નિકાસમાં આશરે ૨૫ ટકાનો વધારો નોંધાયો હતો. દેશના વિવિધ ભાગોમાં સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરીને નવા સ્વાદ અને પ્રોડક્ટ્સ તૈયાર કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે સુરતની શ્મિટન ચોકલેટનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારતીય ચોકલેટ ઉદ્યોગમાં સ્થાનિક સ્વાદ, નવી ટેક્નોલોજી અને ઉદ્યોગસાહસિકતાના સમન્વયથી નવી તકો ઊભી થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
કચ્છના ઊંટપાલકો માટે ઊંટડીનું દૂધ હવે માત્ર પરંપરાગત પશુપાલનનો હિસ્સો નથી રહ્યું, પરંતુ ચોકલેટ, આઇસક્રીમ અને અન્ય મૂલ્યવર્ધિત ઉત્પાદનોના માધ્યમથી આવકનું નવું સાધન બની રહ્યું છે. કચ્છની આ વિશિષ્ટ ઓળખ હવે દેશના ચોકલેટ ઉદ્યોગમાં પણ પોતાની મીઠાશ ફેલાવી રહી છે.




