ભગવાન શ્રી ગણેશની દિવ્ય પૌરાણિક કથાઓ,રહસ્યો અને શાસ્ત્રીય મહત્વ.
સનાતન ધર્મમાં ભગવાન શ્રી ગણેશજીને પ્રથમપૂજ્ય,વિઘ્નહર્તા,બુદ્ધિદાતા અને શિવ-પાર્વતીના લાડકવાયા પુત્ર તરીકે પૂજવામાં આવે છે.પૌરાણિક ગ્રંથો જેવા કે મુદ્ગલપુરાણ ગણેશપુરાણ,શિવપુરાણ અને બ્રહ્મવૈવર્તપુરાણમાં ગણેશજીની દિવ્ય લીલાઓ અને રહસ્યોનું અત્યંત મનોરમ્ય વર્ણન પ્રાપ્ત થાય છે.જેમ ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાઓ ભક્તોના હૃદયને આનંદિત કરે છે તેમ બાલ-ગણેશજીની મધુર ક્રીડાઓ અને દિવ્ય ચમત્કારો પણ પુરાણોમાં અમર થઈ ગયા છે.ગણેશજી કેવળ વિઘ્નોનો નાશ કરનારા દેવ નથી પરંતુ તેઓ પરબ્રહ્મનું જ સાકાર સ્વરૂપ છે,તેમની દિવ્ય કથાઓમાં બુદ્ધિ,ધર્મ,ભક્તિ,વાત્સલ્ય અને શૌર્યનો અનોખો સંગમ જોવા મળે છે.
નાગલોકની યાત્રા: રાજા વાસુકીનો ગર્વભંગ અને શેષનાગ દ્વારા સન્માન..
એક પૌરાણિક પ્રસંગ અનુસાર બાળ ગણપતિ મુનિ પરાશર ઋષિના પવિત્ર આશ્રમમાં ઋષિપુત્રો સાથે રમી રહ્યા હતા.આ સમયે નાગલોકમાંથી કેટલીક નાગકન્યાઓ પૃથ્વી પર ભ્રમણ અર્થે આવી પહોંચી. ગણેશજીનું અત્યંત તેજસ્વી અને મનોહર બાલસ્વરૂપ જોઈને નાગકન્યાઓ મુગ્ધ થઈ ગઈ અને તેમણે ગણેશજીને નાગલોકમાં પધારવા વિનંતી કરી.ભક્ત વત્સલ અને ભક્તવશ ગણપતિ તેમની આગ્રહભરી વિનંતીને નકારી ન શક્યા અને તેમની સાથે નાગલોક તરફ પ્રસ્થાન કર્યું.
નાગલોકમાં પ્રવેશતાં જ નાગકન્યાઓએ અત્યંત ભાવપૂર્વક તેમનું સ્વાગત-સત્કાર કર્યું પરંતુ નાગલોકના રાજા વાસુકીએ ગણેશજીના ગજાનન સ્વરૂપને જોઈને અહંકારવશ તેમનો ઉપહાસ કર્યો અને તેમના શરીરના આકાર વિશે વ્યંગાત્મક ટિપ્પણીઓ કરવા લાગ્યા.પોતાના ભક્ત અને પવિત્રધામમાં આવું અહંકારી વર્તન જોઈને ગણેશજીએ વાસુકીનો ગર્વ ઓછો કરવાનો નિશ્ચય કર્યો, તેમણે પોતાના ચરણથી વાસુકીની ફેણ પર એવો ભારે પ્રહાર કર્યો કે વાસુકી પીડિત થઈ ગયા.વાસુકીની આવી દશા જોઈને તેમના જ્યેષ્ઠ ભાઈ શેષનાગ ક્રોધે ભરાઈને પ્રગટ થયા અને ગર્જના કરી કે તેમના ભાઈ સાથે આવું સાહસ કોણે કર્યું? પરંતુ જેવા શેષનાગે ભગવાન ગણેશ સામે જોયું, તે જ ક્ષણે તેઓ ગણેશજીના વાસ્તવિક પરબ્રહ્મ સ્વરૂપને ઓળખી ગયા.શેષનાગે તુરંત મસ્તક નમાવી તેમનું અભિવાદન કર્યું અને તેમને સંપૂર્ણ નાગલોકના સર્વોચ્ચ સ્વામી તથા રાજા તરીકે ઘોષિત કર્યા.
ભગવાન વિશ્વકર્મા પાસેથી દિવ્ય અસ્ત્ર-શસ્ત્રની પ્રાપ્તિ અને દૈત્ય સંહાર..
મુદ્ગલપુરાણ અનુસાર એકવાર ભગવાન શિવ કૈલાસ છોડીને સઘન વનમાં તપસ્યા અર્થે બિરાજમાન હતા તે સમયે દેવશિલ્પી વિશ્વકર્મા ભગવાન શિવના દર્શનાર્થે પધાર્યા, તે સમયે બાલ-ગણેશજી માત્ર છ વર્ષની આયુના હતા.રમતાં રમતાં ગણેશજી વિશ્વકર્મા પાસે ગયા અને નિર્દોષભાવે પૂછ્યું કે હે વિશ્વકર્મા ! તમે મને મળવા આવ્યા છો તો મારા માટે કઈ સુંદર ભેટ લાવ્યા છો? દેવશિલ્પી વિશ્વકર્મા હાથ જોડીને બોલ્યા કે હે પ્રભુ ! આપ તો સ્વયં સચ્ચિદાનંદ પરબ્રહ્મ છો, હું આપને શું ભેટ આપી શકું? ત્યારબાદ વિશ્વકર્માએ અત્યંત ભક્તિભાવથી બાલ-ગણેશની પૂજા કરી અને પોતાના હાથે નિર્મિત ત્રણ અત્યંત શક્તિશાળી અને દિવ્ય શસ્ત્રો ગણેશજીના ચરણોમાં અર્પણ કર્યાં.આ શસ્ત્રો હતા:તીક્ષ્ણ અંકુશ (ગોડ), પાશ (ફાંસો) અને દિવ્ય પદ્મ (કમળ). ગણેશજી આ દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત કરીને ખૂબ પ્રસન્ન થયા.આ શસ્ત્રધારણના થોડા જ સમય બાદ માત્ર છ વર્ષની ઉંમરે ગણેશજીએ પોતાના મિત્રોનું રક્ષણ કરવા માટે આ જ દિવ્ય અંકુશ અને પાશનો ઉપયોગ કરીને સંસારને પીડિત કરનારા મહાબલી વૃકાસુર અને વિઘ્નાસુર નામના રાક્ષસનો સંહાર કર્યો હતો.
મહર્ષિ ગૌતમ અને માતા અહલ્યાના આશ્રમમાં ભોજન ચોરીની દિવ્ય લીલા..
ગણેશજીની બાલલીલાઓ ભગવાન શ્રી કૃષ્ણની ગોકુળલીલાઓ જેવી જ મનોહર હતી. એક સમયે બાલ-ગણેશ પોતાના મિત્રો અને ઋષિપુત્રો સાથે રમી રહ્યા હતા. રમતાં રમતાં તેમને તીવ્ર ભૂખ લાગી. નજીકમાં જ મહર્ષિ ગૌતમ અને માતા અહલ્યાનો પવિત્ર આશ્રમ હતો.મહર્ષિ ગૌતમ ગહન ધ્યાનમાં મગ્ન હતા અને માતા અહલ્યા રસોડામાં ઋષિઓ માટે દિવ્ય ભોજન બનાવી રહ્યાં હતાં.
બાલ ગણેશ છાનામાના રસોડામાં પ્રવેશ્યા અને માતા અહલ્યાનું ધ્યાન બીજે દોરાયું કે તુરંત જ રસોડામાં રહેલું તમામ ભોજન અને પકવાન પોતાના મિત્રો સાથે મળીને ચોરી લીધું અને વનમાં જઈને આરોગવા લાગ્યા.માતા અહલ્યાએ રસોડું ખાલી જોતાં મહર્ષિ ગૌતમનું ધ્યાન ભંગ કર્યું. મહર્ષિ ગૌતમે વનમાં જઈને જોયું તો બાલ-ગણેશ પોતાના મિત્રો સાથે આનંદથી ભોજન કરી રહ્યા હતા.ઋષિ ગૌતમ ગણેશજીનો હાથ પકડીને માતા પાર્વતી પાસે લઈ ગયા.
માતા પાર્વતીએ ગણેશને શિક્ષા આપવાના હેતુથી એક ઝૂંપડીમાં દોરડા વડે બાંધી દીધા પરંતુ ત્યારબાદ જે દિવ્ય ઘટના ઘટી તેણે માતા પાર્વતીને અચંબીત કરી દીધા.પાર્વતીજી ઝૂંપડી બહાર આવ્યા તો તેમને લાગ્યું કે ગણેશ તો તેમના ખોળામાં રમી રહ્યા છે.તેમણે ઝૂંપડીની અંદર જોયું તો ગણેશ ત્યાં બંધાયેલા હતા.થોડીવાર પછી માતાને લાગ્યું કે ગણેશ શિવગણો સાથે બહાર દોડી રહ્યા છે.માતા પાર્વતીને ચોતરફ—રમતા,હસતા,ખાતા અને રડતા-માત્ર ને માત્ર ગણેશજીના જ દર્શન થવા લાગ્યા.આ ગણેશજીની દિવ્ય માયા અને વિશ્વરૂપ લીલા હતી.માતા પાર્વતી ઝૂંપડીમાં ગયા તો બાલ-ગણેશ એક સામાન્ય બાળકની જેમ રડીને દોરડું છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.માતાનું હૃદય વાત્સલ્યપ્રેમથી ભરાઈ આવ્યું અને તેમણે તુરંત ગણેશજીને આલિંગન આપી મુક્ત કર્યા.
ભગવાન શિવના મહાયજ્ઞમાં સર્વ દેવતાઓને આહ્વાન અને ગણેશજીની બુદ્ધિમત્તા..
એકવાર ભગવાન શિવના મનમાં એક મહાન ત્રિલોક વિખ્યાત યજ્ઞ કરવાનો સંકલ્પ જાગ્યો.આ યજ્ઞની તૈયારીઓ માટે શિવગણોને વિવિધ કાર્યો સોંપવામાં આવ્યા પરંતુ સૌથી મહત્વપૂર્ણ અને કઠિન કાર્ય સમગ્ર બ્રહ્માંડના તમામ દેવી-દેવતાઓને સન્માનપૂર્વક યજ્ઞમાં આમંત્રિત કરવાનું હતું, એવા વ્યક્તિની જરૂર હતી જે અત્યંત ઝડપથી સર્વ લોકમાં જઈ શકે અને સાથે સાથે કોઈ દેવતાનું અપમાન ન થાય તે રીતે વિવેકપૂર્વક નિમંત્રણ આપી શકે. ભગવાન શિવે આ મહત્વપૂર્ણ કાર્ય માટે બુદ્ધિના અધિષ્ઠાતા દેવ ગણેશજીની પસંદગી કરી. ગણેશજીએ પિતાની આજ્ઞા શિરોધાર્ય કરી પરંતુ તેમની સામે એક ભૌતિક સવાલ એ હતો કે તેમનું વાહન મૂષક-ઉંદર હતું, જે અત્યંત ધીમે ચાલે છે.સંપૂર્ણ બ્રહ્માંડની યાત્રા અલ્પ સમયમાં કેવી રીતે શક્ય બને? ગણેશજીએ ક્ષણભર વિચાર કર્યો અને પોતાની અગાધ બુદ્ધિનો ઉપયોગ કર્યો.તેમણે જાણ્યું કે સર્વ દેવી- દેવતાઓ,ચરાચર જગત અને સંપૂર્ણ બ્રહ્માંડ ભગવાન શિવમાં જ સમાયેલું છે.
ગણેશજીએ બધા જ નિમંત્રણ પત્રો અને પૂજન સામગ્રી એકત્ર કરી અને ગહન ધ્યાનમાં બેઠેલા ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરી દીધા.તેમણે ભક્તિભાવથી શિવજીની પૂજા કરી અને શિવજીના શરીરમાં વસતા તમામ દેવતાઓને આહ્વાન કર્યું.ગણેશજીની આ દિવ્ય બુદ્ધિ અને ભક્તિના પરિણામે તે જ ક્ષણે તમામ નિમંત્રણ પત્રો સ્વયંભૂ રીતે ત્રણેય લોકના સમસ્ત દેવી-દેવતાઓ સુધી પહોંચી ગયા અને સમયસર યજ્ઞમાં સબળા દેવો ઉપસ્થિત થઈ ગયા.આમ ગણેશજીએ પોતાની સુક્ષ્મ બુદ્ધિથી અશક્ય કાર્યને પણ અત્યંત સરળ બનાવી દીધું. મહર્ષિ પરશુરામ સાથેનો સંગ્રામ અને એકદંત કહેવાવાનું પૌરાણિક રહસ્ય.. બ્રહ્મવૈવર્ત પુરાણના ગણેશ ખંડ અનુસાર ભગવાન વિષ્ણુના આવેશાવતાર મહર્ષિ પરશુરામ ભગવાન શિવના અનન્ય શિષ્ય હતા.ભગવાન શિવે જ પરશુરામને તે દિવ્ય પરશુ-કુહાડી પ્રદાન કરી હતી જેના વડે તેમણે એકવીસવાર પૃથ્વી પરથી અધર્મી ક્ષત્રિય રાજાઓનો નાશ કર્યો હતો.પરશુરામજી પોતાના ગુરૂ શિવજીના દર્શનાર્થે કૈલાસ પર્વત પર આવ્યા,તે સમયે ભગવાન શિવ ગહનધ્યાનમાં હતા અને કૈલાસના દ્વાર પર બાલ-ગણેશજી સ્વયં રક્ષણ કરી રહ્યા હતા.
ગણેશજીએ પિતાની નિદ્રામાં વિઘ્ન ન પડે તે માટે પરશુરામજીને દ્વાર પર જ અટકાવ્યા.અત્યંત ક્રોધી સ્વભાવના પરશુરામજી ક્રોધિત થઈ ગયા અને ગણેશજી સાથે વિવાદ કરવા લાગ્યા.વિવાદ વધતાં પરશુરામજીએ ગણેશજીને ધક્કો માર્યો.ગણેશજીએ પરશુરામજીનો બ્રાહ્મણ તરીકે આદર કરીને તેમના પર સીધો પ્રહાર ન કર્યો પરંતુ પોતાની સૂંઢ વડે પરશુરામજીને લપેટીને આકાશમાં ચારેય દિશાઓમાં ચક્કર મરાવ્યા અને તેમને પોતાના દિવ્ય વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા, ત્યારબાદ ગણેશજીએ તેમને પૃથ્વી પર
સુરક્ષિત મૂકી દીધા પરંતુ અપમાનિત અનુભવતા પરશુરામજીએ ક્રોધાવેશમાં આવીને ગણેશજી પર શિવજી દ્વારા આપેલી દિવ્ય પરશુ વડે પ્રહાર કર્યો.ગણેશજી જાણતા હતા કે આ પરશુ તેમના પિતા શિવજીનું દિવ્ય શસ્ત્ર છે તેથી જો તેઓ તેનો બચાવ કરે તો પિતાના અસ્ત્રનું અનાદર થાય.પિતાની મર્યાદા અને અસ્ત્રના સન્માન ખાતર ગણેશજીએ તે પરશુનો પ્રહાર પોતાના ડાબા દાંત પર ઝીલી લીધો.પરશુના પ્રહારથી તેમનો એક દાંત તૂટીને નીચે પડી ગયો.આ પ્રચંડ અવાજ સાંભળીને ભગવાન શિવ અને માતા પાર્વતી
બહાર આવ્યા.પાર્વતીજી પરશુરામ પર અત્યંત ક્રોધિત થયા પરંતુ ગણેશજીએ સ્વયં શાંતિ સ્થાપી.ત્યારથી ભગવાન ગણેશ સમગ્ર બ્રહ્માંડમાં એકદંત તરીકે વિખ્યાત થયા.
મહાભારત લેખન અને દાંતનો ત્યાગ..
એકદંત થવા પાછળ અન્ય એક પ્રસિદ્ધ કથા 'મહાભારત'ના લેખન સાથે જોડાયેલી છે.જ્યારે મહર્ષિ વેદવ્યાસજીએ વિશ્વના સૌથી મોટા મહાકાવ્ય મહાભારત ની રચના કરવાનું વિચાર્યું ત્યારે તેમણે એક એવા તીવ્ર બુદ્ધિશાળી લેખકની જરૂર હતી જે અટક્યા વિના સતત લખી શકે.ગણેશજીએ શરત મૂકી કે વ્યાસજીએ કાવ્યની રચના અવિરત કરવી પડશે,જો તેઓ અટકશે તો ગણેશજી લખવાનું બંધ કરી દેશે.વ્યાસજીએ પણ એક શરત મૂકી કે ગણેશજી દરેક શ્લોકનો અર્થ સમજીને જ લખશે.લેખન કાર્ય દરમિયાન જ્યારે ગણેશજીની કલમ તૂટી ગઈ ત્યારે શરત ન તૂટે તે માટે તેમણે તુરંત પોતાનો એક દાંત ભાંગીને તેને કલમ બનાવી દીધી અને અહોરાત્ર મહાભારતનું લેખન પૂર્ણ કર્યું.આ પ્રસંગ ગણેશજીના સમર્પણ અને જ્ઞાન પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ છે.
માતા-પિતાની પરિક્રમા અને સર્વપ્રથમ પૂજનીયતાનું વરદાન..
એકવાર દેવતાઓમાં પ્રશ્ન ઉપસ્થિત થયો કે સંસારમાં પ્રથમ પૂજ્ય કોણ હોવું જોઈએ? આ નિર્ણય માટે ભગવાન શિવે ગણેશજી અને તેમના જ્યેષ્ઠ ભાઈ કાર્તિકેય વચ્ચે એક સ્પર્ધા યોજી. આ સ્પર્ધા એ હતી કે જે સૌથી પહેલાં સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરીને કૈલાસ પરત ફરશે તેને જ પ્રથમ પૂજ્ય માનવામાં આવશે.કાર્તિકેયજી પોતાના વાહન મોર પર બેસીને તુરંત જ પૃથ્વીની પરિક્રમા કરવા ઉપડી ગયા.
બીજી તરફ ગણેશજીએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો,તેમણે પોતાના માતા પાર્વતી અને પિતા શિવજીને એક દિવ્ય આસન પર બિરાજમાન કર્યા અને તેમની શ્રદ્ધાપૂર્વક સાત વાર પરિક્રમા કરી.જ્યારે શિવ-પાર્વતીએ આનું કારણ પૂછ્યું ત્યારે ગણેશજી એન મ્રતાપૂર્વક કહ્યું કે માતા-પિતાના ચરણોમાં જ સમગ્ર બ્રહ્માંડ અને સર્વ તીર્થોનો વાસ છે.માતા-પિતાની પરિક્રમા કરવાથી સમગ્ર પૃથ્વી અને સંસારની પરિક્રમા આપોઆપ થઈ જાય છે. ગણેશજીની આ ઉત્કૃષ્ટ પિતૃભક્તિ અને વિવેકબુદ્ધિથી પ્રસન્ન થઈને તમામ દેવતાઓએ અને શિવ-પાર્વતીએ તેમને ;પ્રથમ પૂજ્ય હોવાનું વરદાન આપ્યું.આજે પણ કોઈપણ મંગળ કાર્ય કે પૂજા-અર્ચનામાં સર્વપ્રથમ ગણેશજીની જ પૂજા કરવામાં આવે છે.
ચંદ્રદેવનો ગર્વભંગ અને ગણેશ ચતુર્થીનું વ્રત..
ગણેશપુરાણ અનુસાર એકવાર ગણેશજી ભોજન કરીને પોતાના વાહન મૂષક પર સવાર થઈને જઈ રહ્યા હતા.માર્ગમાં એક સર્પને જોઈને મૂષક ચમકી ગયો અને ગણેશજી નીચે પડી ગયા.આ દ્રશ્ય જોઈને આકાશમાં રહેલા ચંદ્રદેવે પોતાના રૂપ અને સુંદરતાના અહંકારમાં આવીને મોટેથી હસવાનું શરૂ કર્યું અને ગણેશજીની મજાક ઉડાવી.ગણેશજીએ ચંદ્રદેવનો અહંકાર ભાંગવા માટે શાપ આપ્યો કે જે રૂપનું તને આટલું અભિમાન છે તે રૂપ નષ્ટ થઈ જશે અને જે કોઈ ભાદરવા સુદ ચતુર્થીના દિવસે તારા દર્શન કરશે તેના પર ખોટો કલંક લાગશે. શાપના કારણે ચંદ્રની કાંતિ ક્ષીણ થઈ ગઈ અને તેઓ અંધકારમાં લીન થઈ ગયા.ચંદ્રદેવે પોતાની ભૂલ સ્વીકારી ભગવાન ગણેશની કઠોર તપસ્યા કરી ક્ષમાયાચના કરી.ગણેશજીએ દયાળુ થઈને શાપમાં રાહત આપી કે ચંદ્ર દર મહિને ઘટીને અમાવસ્યાએ લુપ્ત થશે અને ફરી પૂર્ણિમા સુધી વધશે તેમજ ભાદરવા સુદ ચતુર્થી સિવાય અન્ય દિવસે ચંદ્રદર્શન પવિત્ર ગણાશે.આ પ્રસંગથી જ ગણેશ ચતુર્થીના દિવ્ય વ્રત અને ગણેશોત્સવનો પ્રારંભ થયો.
મુદ્ગલપુરાણ અનુસાર ભગવાન ગણેશના અષ્ટઅવતાર..
મુદ્ગલપુરાણમાં ભગવાન ગણેશના આઠ દિવ્ય અવતારોનું વર્ણન મળે છે, જે માનવ મનની આંતરિક બુરાઈઓ અને દાનવોનો નાશ કરે છે.
વક્રતુંડ: કામાસુર-કામના/વાસનાનો નાશ કરનાર અવતાર,
એકદંત: મદાશુર-અહંકાર/મદનો સંહાર કરનાર અવતાર,
મહોદર: મોહાસુર-અજ્ઞાન/મોહનો નાશ કરનાર અવતાર,
ગજાનન: લોભાસુર-લોભનો સંહાર કરનાર અવતાર,
લંબોદર: ક્રોધાસુર-ક્રોધનો નાશ કરનાર અવતાર,
વિકટ: કામાસુર/મમતાસુર-અહંતા/મમતાનો સંહાર કરનાર અવતાર,
વિઘ્નરાજ: મત્સરાસુર-ઈર્ષ્યા/મત્સરનો નાશ કરનાર અવતાર,
ધૂમ્રવર્ણ: અભિમાનાસુર-ગર્વ/અભિમાનનો સંહાર કરનાર અવતાર..
ભગવાન ગણેશજીનું જીવન અને તેમની દિવ્ય કથાઓ આપણને શીખવે છે કે ગમે તેવી કઠિન પરિસ્થિતિ કે વિઘ્ન હોય,જો મનુષ્ય પાસે સદબુદ્ધિ,ધૈર્ય,માતા-પિતા પ્રત્યે આદર અને વિવેક હોય તો તે દરેક સંકટમાંથી સહેલાઈથી માર્ગ નિકાળી શકે છે.શ્રી ગણેશજી માત્ર એક દેવ નથી પરંતુ તે બુદ્ધિ,વિદ્યા, સમૃદ્ધિ અને કલ્યાણના સાક્ષાત પ્રતીક છે.તેમની લીલાઓનું શ્રવણ અને સ્મરણ કરવાથી મનુષ્યના તમામ વિઘ્નો શમી જાય છે અને ઘરમાં સુખ,શાંતિ અને રિદ્ધિ-સિદ્ધિનો વાસ થાય છે.
આલેખન:
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




