
બ્રિટનમાં ગૂગલ વિરૂદ્ધ મોટી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. આમાં ટેક કંપની વિરુદ્ધ 5 બિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 55 હજાર કરોડ રૂપિયાનો ક્લાસ એક્શન કેસ દાખલ કરવામાં આવ્યો છે. એવો આરોપ છે કે ગૂગલે ઓનલાઈન એડવર્ટાઈઝિંગ માર્કેટ અને સર્ચમાં પોતાની એકાધિકારનો દુરુપયોગ કર્યો છે. ટેક કંપનીના આ પગલાથી હજારો કંપનીઓને ભારે આર્થિક નુકસાન થયું છે.
ગૂગલ સામેનો આ કેસ સ્પર્ધા કાયદાના નિષ્ણાત પ્રોફેસર ઓર બ્રુકે યુકે કોમ્પિટિશન અપીલ ટ્રિબ્યુનલમાં દાખલ કર્યો છે. તે 2011થી ગૂગલ એડવર્ટાઇઝિંગનો ઉપયોગ કરતી હજારો બ્રિટિશ કંપનીઓ વતી આ કેસ લડી રહી છે.

એવો આરોપ છે કે ગૂગલે ક્રોમ અને ગૂગલ સર્ચને ડિફોલ્ટ એપ્સ બનાવવા માટે મોબાઇલ કંપનીઓ સાથે કરાર કર્યો હતો, જેના કારણે અન્ય કોઈ સર્ચ એન્જિન એન્ડ્રોઇડ ડિવાઇસ પર સરળતાથી કામ કરી શકતું નથી. આ સાથે ગૂગલ પર એવો પણ આરોપ છે કે તેણે પોતાની ઈજારાશાહીનો ઉપયોગ કરીને બ્રિટિશ કંપનીઓને જરૂરિયાત કરતાં વધુ કિંમતે જાહેરાત કરવા દબાણ કર્યું.
નિષ્ણાતોનું માનવું છે કે આ મુકદ્દમા પછી ગૂગલના બિઝનેસ મોડલની પારદર્શિતા પર મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે. જો કોર્ટ ગૂગલ વિરુદ્ધ આ નિર્ણય આપે છે તો હજારો કંપનીઓને તેના માટે વળતર ચૂકવવું પડી શકે છે.
આ સિવાય ડિજિટલ એડવર્ટાઇઝિંગમાં કડક નિયમો લાગુ કરવામાં આવી શકે છે અને યુરોપ અને અમેરિકામાં ચાલી રહેલી એન્ટિ-ટ્રસ્ટ તપાસને પણ આ નિર્ણયથી વધુ મજબૂતી મળી શકે છે. વર્ષ 2020માં થયેલા તેના અભ્યાસમાં યુકેની કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટીએ જણાવ્યું હતું કે સર્ચ એડવર્ટાઇઝિંગ માર્કેટમાં ગૂગલનો હિસ્સો નેવું ટકાથી વધુ છે.




