
દુનિયા પર મંડરાઈ રહ્યો છે મોટો આર્થિક ખતરો.આજે યુદ્ધ પૂરું થાય તો પણ ૨૦૨૭ પહેલાં ઓઇલ સંકટ ઉકેલાશે નહીં.યુદ્ધ પહેલાના માત્ર ૮૦% ઓઇલ પુરવઠાને પાછો લાવવામાં જ ઓછામાં ઓછા ૪ મહિનાનો સમય લાગશે.મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ ક્યારે પૂરું થશે? આ સવાલનો જવાબ કોઈ પાસે નથી, પરંતુ તેનાથી પણ વધુ ચિંતાજનક સવાલ એ છે કે, જાે આ યુદ્ધ આજે જ પૂરું થઈ જાય, તો દુનિયાને પહેલાંની જેમ સામાન્ય અને સસ્તું ઓઇલ-ગેસ ક્યારે મળશે? વૈશ્વિક ઊર્જા નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના ટોચના વડાઓનું કહેવું છે કે, હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલું સંકટ એટલું ગંભીર છે કે તણાવ તાત્કાલિક બંધ થાય તો પણ વૈશ્વિક ઓઇલ અને ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય થવામાં ૨૦૨૭ના પહેલા કે બીજા ક્વાર્ટર (ત્રિમાસિક ગાળા) સુધીનો લાંબો સમય લાગી શકે છે. આ લાંબી કટોકટી આગામી વર્ષોમાં વૈશ્વિક અર્થતંત્રને મોટો ઝટકો આપશે.
સંયુક્ત આરબ અમીરાત (UAE) ની સરકારી ઓઇલ કંપની ‘ADNOC’ના સીઈઓ સુલતાન અલ જાબેરે એટલાન્ટિક કાઉન્સિલના એક કાર્યક્રમમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આ સંઘર્ષ કાલે જ સમાપ્ત થઈ જાય તો પણ, યુદ્ધ પહેલાના માત્ર ૮૦% ઓઇલ પુરવઠાને પાછો લાવવામાં જ ઓછામાં ઓછા ૪ મહિનાનો સમય લાગશે. જ્યારે ૧૦૦% સંપૂર્ણ સપ્લાય ચેઇનને પુન:સ્થાપિત કરવામાં ૨૦૨૭ના મધ્ય સુધીનો સમય લાગી જશે.
આ વાતને સમર્થન આપતાં સાઉદી અરેબિયાની પ્રખ્યાત ઓઇલ કંપની અરામકોના વડા અમીન નાસેરે પણ જણાવ્યું છે કે, જાે આ પરિસ્થિતિ જૂનના મધ્ય સુધી ચાલુ રહેશે, તો વૈશ્વિક ઓઇલ બજાર ૨૦૨૭ પહેલાં સંપૂર્ણપણે સ્થિર કે સામાન્ય થઈ શકશે નહીં.
યુદ્ધ વિરામ થયા પછી પણ ઈરાન દ્વારા આ જળમાર્ગમાં બિછાવેલી દરિયાઈ સુરંગો (Sea Mines)ને શોધીને સંપૂર્ણપણે દૂર કરવામાં મહિનાઓનો સમય નીકળી જશે. જ્યાં સુધી આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ રસ્તો જહાજાેની અવરજવર માટે ૧૦૦% સલામત ન બને, ત્યાં સુધી ઓઇલ અને ગેસના મોટા કન્ટેનર્સ વહન કરી શકાશે નહીં, જે પુરવઠો સામાન્ય થવામાં વિલંબનું એક મુખ્ય કારણ બનશે.
હોર્મુઝ જળમાર્ગ એ વિશ્વનો સૌથી મહત્ત્વપૂર્ણ એનર્જી કોરિડોર છે, જ્યાંથી દુનિયાના કુલ ઓઇલ પુરવઠાનો લગભગ ૧/૫ (પાંચમો) ભાગ પસાર થાય છે. પરંતુ ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ લાંબા સમયગાળાની કટોકટીથી બચવા માટે, UAE એ હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરતી એક નવી વેસ્ટ-ઇસ્ટ ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટ પરનું કામ ઝડપી બનાવ્યું છે. હાલ આ પ્રોજેક્ટનું કામ ૫૦% જેટલું પૂર્ણ થઈ ગયું છે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે આદેશ આપ્યો છે કે ૨૦૨૭ સુધીમાં ફુજૈરાહ બંદર દ્વારા ઓઇલ નિકાસ કરવાની ક્ષમતાને બમણી કરવામાં આવે, જેથી હોર્મુઝ માર્ગ બંધ હોય તો પણ નિકાસ ચાલુ રાખી શકાય. હાલમાં કાર્યરત અબુ ધાબી ક્રૂડ ઓઇલ પાઇપલાઇન (ADCOP) રોજનું ૧.૮ મિલિયન બેરલ ઓઇલ વહન કરીને થોડી રાહત આપી રહી છે.





