
યુદ્ધની સ્થિતિમાં એશા ગુપ્તા અબુધાબીમાં ફસાઈ ગઈ હતી અભિનેત્રી એશા ગુપ્તા આખરે યુએઈ એરપોર્ટ પરથી ભારત પરત ફરી એશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એરલાઇન ઓથોરિટી, યુએઈ સરકાર અને હોટેલ સ્ટાફનો પણ આભાર માન્યો અભિનેત્રી એશા ગુપ્તા આખરે ભારત પહોંચી ગઈ છે, તે યુએસ, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેની યુદ્ધની સ્થિતિમાં યુનાઇટેડ આરબ અમિરાતમાં ફસાઈ ગઈ હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને મદદ માગી હતી. હવે તે આખરે ભારત પાછી આવી ગઈ છે. આ અંગે પણ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે. તેણે એરલાઇન ઓથોરિટી, યુએઈ સરકાર અને હોટેલ સ્ટાફનો પણ આભાર માન્યો હતો. તેણે લખ્યું, “ઘેર પરત. તમારા બધાની શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ માટે આભાર. અમે ત્યાં જે સ્થિતિમાં હતા, ત્યાં રહેવું ખરેખર મુશ્કેલ હતું. ખરેખર ઇશ્વરના આશીર્વાદે મને સુરક્ષિત રાખી છે.”
રવિવારે ૨૮ ફેબ્રુઆરીએ એશા ગુપ્તાએ એરપોર્ટ પરથી જાણ કરી હતી, જ્યારે આ સ્થિતિની શરૂઆત થઈ હતી. તેણે કહ્યું, “રવિવારે ૨૮ ફેબ્રુઆરીએ હું એરપોર્ટ પર હતી, ત્યારથી બધું શરૂ થયું હતું. બપોરે ૧ વાગ્યા સુધીમાં એરપોર્ટ બંધ થઈ ગયું હતું, અમારામાંથી કોઈને ખબર નહોતી તેથી બધે જ અફરાતફરીનો માહોલ હતો. પછી મિસાઇલ એટેકના સમાચાર આવવાના શરૂ થયા અને અમને કોઈને ખબર નથી કે આવનારી એક મિનિટમાં શું થવાનું છે.”અન્ય કેટલાક સેલેબ્રિટીઝ પણ યુએઈમાં ફસાયાં હતાં, તેના કારણે વધી રહેલાં સુરક્ષાના પ્રશ્નો અને ખાડીના પ્રદેશોમાં વધી રહેલી અંધાધુંધીનો અંદાજ આવતો હતો. એરપોર્ટના વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલના આક્રમણમના અહેવાલોના પગલે ઘણા એરપોર્ટ બંધ કરાયા છે. એશાએ એવું પણ કહ્યું કે, તે અબુધાબીના એરપોર્ટ પર હતી ત્યારે જ કામ અટકાવી દેવામાં આવ્યું હતું. તેણે એરપોર્ટ વહીવટીતંત્રના વખાણ કરતાં કહ્યું કે, “અહીં હું એ પણ ઉલ્લેખ કરવા માગુ છું કે, મેં જે જાેયું છે એ યુએઈની શક્તિ જ છે. અમે અબુધાબી એરપોર્ટ પર હતા. ગ્રાઉન્ડ સ્ટાફ અને એરપોર્ટ સિક્યોરિટી તરત જ કામે લાગી ગયા હતા અને આ સ્થિતિમાં પણ શાંતિપૂર્વક પરિસ્થિતિનો સામનો કરતાં હતાં.”એશાએ એમ પણ કહ્યું, “એ વખતે મેં હજુ ચેક ઇન નહોતું કર્યું તેથી હું પાછી અબુધાબીની મારી હોટેલ પહોંચી ગઈ. પછી અમે રાત્રે ત્યાં લોકોના અનુભવો અને તેમની કહાણીઓ પણ સાંભળી. બધાની સરખી જ તકલીફો અને મુંઝવણ હતી.”




