કરીના આખરે ભણસાલીની ફિલ્મમાં લીડ રોલમાં જાેવા મળી શકે છે ભણસાલીએ ધનુષની પૌરાણિક જંગલ એડવેન્ચર ફિલ્મ માટે કરીનાનો સંપર્ક કર્યાે ભણસાલી અને કરીના વચ્ચેના મતભેદોની શરૂઆત ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં થઈ હતી
ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી અને અભિનેત્રી કરીના કપૂર ખાન વચ્ચે વર્ષાેથી ચાલી રહેલા વ્યાવસાયિક મતભેદો હવે સમાપ્ત થવાના સંકેત મળી રહ્યા છે. અહેવાલો મુજબ, ભણસાલીએ પોતાની આગામી ધનુષ અભિનીત પૌરાણિક જંગલ આધારિત ફિલ્મમાં મુખ્ય મહિલા પાત્ર માટે કરીનાનો સંપર્ક કર્યાે છે.ભણસાલી અને કરીના વચ્ચેના મતભેદોની શરૂઆત ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં થઈ હતી. તે સમયે કરીનાએ ‘દેવદાસ’ માટે સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો, પરંતુ બાદમાં આ ભૂમિકા ઐશ્વર્યા રાય બચ્ચનને મળતાં કરીના સાથે છેતરપિંડી થઈ હોય એવું લાગ્યું હતું. ત્યારબાદ તેણે ભણસાલી સાથે ક્યારેય કામ નહીં કરવાનો ર્નિણય લીધો હતો. ત્યાર બાદ રામલીલામાં પણ પહેલાં દીપિકાને બદલે કરીનાને કાસ્ટ કરવાના અહેવાલો હતા, અને તેનાં સ્ક્રીન ટેસ્ટ પણ થયા હોવાની ચર્ચા હતી.હવે લગભગ અઢી દાયકા બાદ બંને વચ્ચે સમાધાન થવાની શક્યતા દેખાઈ રહી છે. ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર, ભણસાલીએ પોતાની આગામી ફિલ્મમાં ધનુષ જેટલું જ મહત્વ ધરાવતા મહિલા પાત્ર માટે કરીનાનો સંપર્ક કર્યાે છે. અહેવાલો મુજબ, કરીનાએ આ પ્રસ્તાવમાં રસ દાખવ્યો છે, પરંતુ હજુ સુધી અંતિમ ર્નિણય લીધો નથી. હાલમાં મહેનતાણું, શૂટિંગની તારીખો અને અન્ય કરાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે.ધનુષ અભિનીત આ ફિલ્મ એક ભવ્ય પૌરાણિક જંગલ એડવેન્ચર તરીકે તૈયાર થઈ રહી છે. ફિલ્મની વાર્તા અને પાત્રો અંગે સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવી છે, જાેકે સુત્રોના જણાવ્યા મુજબ ફિલ્મની કથા એક હાથીને કેન્દ્રમાં રાખીને આગળ વધે છે. ફિલ્મનું નિર્માણ સંજય લીલા ભણસાલી કરશે, જ્યારે દિગ્દર્શનની જવાબદારી તમિલ ફિલ્મમેકર પી. એસ. મિત્રન સંભાળશે. ‘ઇરુંબુ તિરાઇ’, ‘હીરો’ અને ‘સરદાર’ જેવી ફિલ્મો માટે જાણીતા મિત્રન હાલમાં ફિલ્મના લેખન કાર્યમાં વ્યસ્ત છે.ફિલ્મનું પ્રી-પ્રોડક્શન નવેમ્બરથી શરૂ થવાની અને મુખ્ય શૂટિંગ જાન્યુઆરી ૨૦૨૭માં શરૂ થવાની યોજના છે. જાેકે કરીનાએ હજુ ફિલ્મ સાઇન કરી નથી, પરંતુ જાે આ સહયોગ સાકાર થશે તો તે ભણસાલી સાથેની તેની પહેલી ફિલ્મ હશે અને વર્ષાેથી ચાલતા વ્યાવસાયિક મતભેદોનો અંત આવશે એવી ચર્ચા છે.અહેવાલો મુજબ, કરીના રાજ એન્ડ ડીકેની સલમાન ખાન અભિનીત આગામી ફિલ્મ માટે પણ ચર્ચામાં હતી, પરંતુ તે વાતચીત આગળ વધી નથી. કરીના કપૂર ખાન હવે મેઘના ગુલઝાર દિગ્દર્શિત ક્રાઇમ થ્રિલર ‘દાયરા’માં જાેવા મળશે. જંગલી પિક્ચર્સ નિર્મિત આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. બીજી તરફ, સંજય લીલા ભણસાલી હાલમાં પોતાની પિરિયડ રોમેન્ટિક ફિલ્મ ‘લવ એન્ડ વોર’ના ફર્સ્ટ લૂકના લોન્ચની તૈયારીમાં છે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અભિનીત આ ફિલ્મનું શૂટિંગ અંતિમ તબક્કામાં છે અને તે ૨૧ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે.





