
“તમે મને ખુલા દિલથી આવકારી હતી, તમે હંમેશા યાદ આવશો” સિદ્ધાર્થના પિતા સુનીલ મલ્હોત્રાનું નિધન, કિઆરા-સિદ્ધાર્થે ભાવુક પોસ્ટ લખી
સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનિલ મલ્હોત્રાનું ૧૪ ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે અવસાન થયું છે
સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનિલ મલ્હોત્રાનું ૧૪ ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે અવસાન થયું છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ તેમના પિતા સુનિલ મલ્હોત્રાના નિધનની ખબર મળતાં જ દિલ્હી પહોંચી ગયા હતા. પૂર્વ મર્ચન્ટ નેવી કેપ્ટન સુનિલ મલ્હોત્રા માટે સિદ્ધાર્થ અને કિયારા બંનેએ પણ ભાવુક નોંધ લખી હતી અને તેમના પિતા કેટલા લાગણીશીલ, પ્રેમાળ અને દયાળુ હતા તે યાદ કર્યું હતું.કિયારા અડવાણીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના સસરા સુનિલ મલ્હોત્રાને ગુમાવવાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. લાંબી ભાવુક પોસ્ટમાં કિઆરાએ લખ્યું કે શરૂઆતથી જ તેમણે તેને ખુલ્લા દિલથી સ્વીકારી અને સતત તેમજ નિશ્ચલ પ્રેમ આપ્યો છે.કિયારાએ આગળ લખ્યું, “તમારી હુંફ અમારા પર સતત વરસતી રહી છે.
તમારી ઉદારતા સહજ હતી. તમે કરેલા દરેક કામના કેન્દ્રમાં તમારો પરિવાર પ્રત્યેનો તમારો પ્રેમ હતો. તમે દરેક વખતે અમારા માટે હાજર રહેતા હતા. તમે અમને ધ્યાનપૂર્વક સાંભળતા. નાની બાબતો પણ યાદ રાખતા. તમે હંમેશા નિ:સ્વાર્થ રીતે આપ્યું, ક્યારેય બદલામાં કંઈ અપેક્ષા રાખી નહીં.”આગળ કિઆરાએ લખ્યું કે, સસરાની વાતો, રમુજ અને નરમ દિલ હંમેશા તેમની સાથે રહેશે. પોસ્ટના અંતમાં કિયારાએ લખ્યું, “શાંતિથી આરામ કરો. તમે હંમેશા યાદ કરીશું, હંમેશા તમને પ્રેમ કરીશું.”સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ સોશિયલ મીડિયા પર પોતાના પિતાને યાદ કરતાં ભાવુક પોસ્ટ લખી હતી. પોતાના પિતા સાથેની અનેક તસવીરો શેર કરી અને તેમને દુર્લભ પ્રામાણિકતા, વિશ્વસનીયતા અને સંસ્કાર ધરાવતા વ્યક્તિ ગણાવ્યા હતા. સિદ્ધાર્થે એ પણ લખ્યું કે તેના પિતા લાંબા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા હતા અને વ્હીલચેર પર હતા. સ્ટ્રોક બાદ પણ સુનિલ મલ્હોત્રા હિંમતથી અડગ રહ્યા અને ક્યારેય પોતાની ગરીમા ગુમાવી નહીં.સિદ્ધાર્થે આ પોસ્ટમાં લખ્યું, “પપા, તમારી વિશ્વસનીયતા જ તમારો વારસો છે. તમારી શક્તિ મને દરરોજ પ્રેરણા આપે છે. તમારી સકારાત્મકતા હજુ પણ આ પરિવારને જાેડીને રાખે છે. તમે ઊંઘમાં શાંતિથી અમને છોડીને ગયા, પરંતુ તમે જે ખાલી જગ્યા છોડી ગયા છો, તે ક્યારેય ભરાશે નહીં. હું જે છું તે તમારાં કારણે છું.” સિદ્ધાર્થે આગળ લખ્યું, “સમુદ્ર પર મર્ચન્ટ નેવી કેપ્ટન તરીકે કમાન્ડ સંભાળવાથી લઈને શાંતિપૂર્ણ હિંમત સાથે બીમારીનો સામનો કરવા સુધી, તેમણે ક્યારેય સમાધાન કર્યું નહીં, ક્યારેય પોતાની ગરિમા ગુમાવી નહીં. સ્ટ્રોક બાદ વ્હીલચેર પર હોવા છતાં તેમનો જુસ્સો હંમેશા અકબંધ રહ્યો છે. હું હંમેશા તમારું નામ, તમારાં મૂલ્યો અને તમારી જ્યોતને આગળ લઈ જઈશ. લવ યુ ડેડ.” તેની આ પોસ્ટ પર અનેક સેલેબ્ઝે પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.




