
દિમાગ હજુ પણ ઠેકાણે નથી : સની દેઓલ.બોર્ડર ૨ના પ્રમોશન સમયે સની દેઓલ પિતા ધર્મેન્દ્રને યાદ કરી ભાવુક થયો.પ્રથમ જાહેર કાર્યક્રમમાં હાજર રહેલા સની દેઓલે તેના કરિયર પર પિતાના પ્રભાવ વિશે ઊંડી વાતો કરી હતી.રાજસ્થાનના જેસલમેરમાં પોતાની આગામી ફિલ્મ “બોર્ડર ૨” ના મ્યુઝિક લોન્ચ દરમિયાન અભિનેતા સની દેઓલ અત્યંત ભાવુક જાેવા મળ્યો હતો. પિતા ધર્મેન્દ્રના તાજેતરના નિધન બાદ પ્રથમ જાહેર કાર્યક્રમમાં હાજર રહેલા સની દેઓલે તેના કરિયર પર પિતાના પ્રભાવ વિશે ઊંડી વાતો કરી હતી. ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ક્રૂ સાથે “ઘર કબ આઓગે” ગીતના લોન્ચિંગમાં જાેડાયેલા દેઓલે ૧૯૯૭ની ક્લાસિક વોર ફિલ્મ “બોર્ડર” ના ઈતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે આ ફિલ્મ તેના પિતા ધર્મેન્દ્રની ૧૯૬૪ની પ્રસિદ્ધ વોર ડ્રામા ફિલ્મ “હકીકત” થી પ્રેરિત હતી.
સભાને સંબોધતા સની દેઓલે કહ્યું, “બાળપણમાં જ્યારે મેં હકીકત જાેઈ ત્યારે તેની મારા પર ઊંડી અસર પડી હતી. જ્યારે હું અભિનેતા બન્યો, ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું મારા પિતા જેવી જ કોઈ મહાન ફિલ્મ કરવા માંગુ છું. એ જ ઈચ્છાને કારણે મને જેપી દત્તા સાથે બોર્ડર કરવાની તક મળી.” તેણે વધુમાં ઉમેર્યું કે બોર્ડર આજે પણ દેશભક્તિની ભાવનાને કારણે લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે.
કાર્યક્રમ દરમિયાન પિતાના અવસાન અંગે વાત કરતા સનીએ કહ્યું, “હું અત્યારે વધારે કંઈ કહી શકું તેમ નથી. હું હજી પણ આઘાતમાં છું.” ઉલ્લેખનીય છે કે ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્રનું ૨૪ નવેમ્બરના રોજ ૮૯ વર્ષની વયે નિધન થયું હતું.
અનુરાગ સિંહના નિર્દેશનમાં બની રહેલી “બોર્ડર ૨” જેપી દત્તાની ૧૯૯૭ની બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મમાં સની દેઓલની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. ટી-સીરીઝ અને જેપી ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.




