
અંદાજે ૧૬૦૦ કરોડના ખર્ચે રામાયણ ફિલ્મ બે ભાગમાં બની રહી છે.યશે મુંબઈમાં ‘રામાયણ’ માટે સીતાનાં સ્વયંવરની સિક્વન્સનું શૂટિંગ શરૂ કર્યું.ફિલ્મ માટે રાજમહેલના આંગણાં, શાહી બાલ્કની, ફૂલોથી સજાવેલી રંગોળી અને પરંપરાગત શૈલીની વિશાળ સજાવટ કરાઈ.
નિતેશ તિવારીની રામાયણ લાંબા સમયથી ચર્ચામાં છે, બે ભાગમાં બની રહેલી આ ફિલ્મ હાલમાં ભારતીય સિનેમાના સૌથી વધુ ચર્ચિત પ્રોજેક્ટ્સમાંની એક બની ગઈ છે. આ ફિલ્મ માટે અંદાજે ૧૬૦૦ કરોડથી વધુનું ભવ્ય બજેટ ફાળવાયું છે, તેથી તેના વિશાળ પ્રોડક્શન ડિઝાઇન અને સ્ટારકાસ્ટને કારણે સતત ચર્ચામાં છે.ફિલ્મના હાલના શિડ્યુલ વિશે મળતી માહિતી મુજબ, યશ હાલમાં મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટીમાં રાવણ તરીકેના મહત્વપૂર્ણ દ્રશ્યોનું શૂટિંગ કરી રહ્યો છે. તેના અહેવાલો અનુસાર, પ્રોડક્શન ટીમે મિથિલા રાજ્યનો ભવ્ય સેટ તૈયાર કર્યાે છે, જેમાં રાજમહેલના આંગણાં, શાહી બાલ્કની, ફૂલોથી સજાવેલી રંગોળી અને પરંપરાગત શૈલીની વિશાળ સજાવટ સામેલ છે. સિક્વન્સને વધુ ભવ્ય બનાવવા માટે સૈંકડો જુનિયર આર્ટિસ્ટ્સને પણ સામેલ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.હાલનું શિડ્યુલ ‘રામાયણ’ના એક મહત્વપૂર્ણ પ્રસંગ પર આધારિત હોવાનું માનવામાં આવે છે, જેમાં રાવણ સીતાના સ્વયંવરમાં પહોંચે છે અને ભગવાન શિવના ધનુષ્યને ઉઠાવવાનો પ્રયાસ કરે છે. આ દ્રશ્ય દ્વારા કથાની શરૂઆતમાં જ રાવણની શક્તિ અને ભવ્ય વ્યક્તિત્વને સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક સુત્રએ આ અંગે જણાવ્યું હતું, “હાલનું શૂટિંગ એ દ્રશ્ય પર કેન્દ્રિત છે જ્યાં રાવણ સ્વયંવરમાં પ્રવેશ કરે છે અને ધનુષ્ય ઉઠાવવાની ઘટનાને લઈને તણાવ સર્જાય છે. યશની એન્ટ્રી ખૂબ જ પ્રભાવશાળી છે. જેવો રાવણ દરબારમાં પ્રવેશ કરે છે, તેમ આખા વાતાવરણની ઊર્જા બદલાઈ જાય છે. આ ભવ્યતા વિઝ્યુઅલી ઊભી કરવા માટે ઘણી મહેનત કરવામાં આવી છે.”અહેવાલોમાં આગળ કહેવામાં આવ્યું છે કે સાઇ પલ્લવી, જે ફિલ્મમાં સીતાની ભૂમિકા ભજવી રહી છે, તે પણ ટૂંક સમયમાં શૂટિંગમાં જાેડાશે. મેકર્સે ફિલ્મ વિશે વધુ વિગતો જાહેર કરવાથી દૂર રહેવાનું પસંદ કર્યું છે, પરંતુ સેટ પરથી મળતી નાની અપડેટ્સ દર્શકોમાં ઉત્સુકતા વધારતી રહે છે.યશ અને સાઈ પલ્લવી ઉપરાંત ફિલ્મમાં વિવિધ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અનેક મોટા કલાકારો પણ સામેલ છે, જેના કારણે ‘રામાયણ’ હાલમાં બનેલા સૌથી ભવ્ય પેન-ઇન્ડિયા પ્રોજેક્ટ્સમાંની એક માનવામાં આવે છે. .





