આમ આદમી પાર્ટીના ઓબીસી સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પિયુષ પરમારે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જામવાડી ગામેથી એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, અહીંયા પાંચ વર્ષ પહેલા ખેડૂતોએ પોતાના સ્વખર્ચેથી એક પુલ બનાવ્યો હતો. પરંતુ ભાજપના ગુંડાઓ દ્વારા એને તોડવાની અરજી કરવામાં આવી છે અને ધારાસભ્ય ભગવાનજી કરગથીયા પણ તેમને સહકાર આપી રહ્યા છે. આ પુલના કારણે કોઈ ખેડૂતોને એક પણ રૂપિયાની નુકસાની થઈ નથી. આ પૂલથી 29 ખેડૂતોને જવા માટેનો રસ્તો બન્યો છે. ખેડૂતોએ અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે આ પુલના કારણે જો કોઈના પણ ખેતરમાં પાણી જાય અને નુકસાની થાય તો જવાબદારી ખેડૂતોની રહેશે. આ પુલને પાંચ વર્ષ થયા અને અને હમણાં ઘણો વરસાદ પડ્યો પણ હજુ સુધી કોઈના ખેતરમાં આ પુલના કારણે એક ટીપુ પણ પાણી ગયું નથી. તો પછી આ પુલ શું કરવા તોડવો છે? આ પુલ જ્યારે હું તાલુકા પંચાયતનો સભ્ય હતો ત્યારે અમારા પૈસેથી બનાવ્યો હતો અને એટલા માટે ભાજપના લોકોના પેટમાં દુખે છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારે ચોંકાવનારી વાત જણાવતા કહ્યું હતું કે, આ સ્થળ પર હાલ ધારાસભ્ય ભગવાનજી કરગથીયા પોતે પણ હાજર હતા અને અમે પણ હાજર હતા ત્યારે તેઓએ ન બોલવાના શબ્દો બોલ્યા છે, ખેડૂતોને ગાળો આપી છે. હું એ ધારાસભ્યને કહેવા માગું છું કે લોકોએ તમને ચુંટીને પદ પર મોકલ્યા છે તો તમારે પદની ગરીમા સાચવવી જોઈએ. આ પુલ તોડવા માટે 2022 નો પ્રાંતનો હુકમ સ્પષ્ટીકરણ સાથે કહે છે કે એકબીજાની સમજૂતીથી માત્ર એક મીટર રાખવો બાકી હુકમમાં તોડવાનું કોઈ પ્રાવધાન કરવામાં આવેલ નથી. હુકમમાં સ્પષ્ટીકરણ સાથે પણ લખ્યું છે કે મામલતદારે સ્થળ તપાસ કરી તેની હકીકત જાણીને જો કોઈને નુકસાન થયું હોય તો એની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવી. જ્યારે 2021માં મામલતદારે સ્થળ તપાસ કરી હતી અને એમણે થોડો ઘણો પુલ પણ તોડી નાખ્યો અને હવે ભાજપના નેતાઓ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે અને ખેડૂતોને હેરાન કરવા સિવાય કંઈ કરતા નથી. હું ધારાસભ્યને પૂછવા માંગુ છું કે તમે પુલ બનાવતા નથી પરંતુ તોડાવી રહ્યા છો, તો આ ક્યાંનો ન્યાય છે? 2022નો હુકમ હતો અને અત્યારે 2026 ચાલે છે તો જો તોડવાનો હુકમ હતો તો અત્યાર સુધી પુલ કેમ ન તોડ્યો? આ પુલ કોઈ બીજાની જગ્યામાં નહીં પરંતુ ખેડૂતોની પોતાની માલિકીની જગ્યામાં છે. આ લડાઈમાં હું ખેડૂતોની સાથે છું અને આ મુદ્દે અમે આજે જ કોર્ટમાં જઈશું અને સ્ટેની માંગણી કરીશું. જો તંત્ર દાદાગીરી અને જોહુકમી કરશે અમે હાઇકોર્ટ સુધી પણ લડત લડીશું.





