
આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ કરન બારોટ, પાટણના કિસાન સેલના જિલ્લા પ્રમુખ વિપુલભાઈ ઠાકોર અને AAP નેતા સ્વયંભાઈ સાલવીએ મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી અને કઈ રીતે ભાજપે રાજુ કરપડાને હાથો બનાવીને ખેડૂતોના આંદોલનને કચડવાનું ષડયંત્ર રચ્યું એના પુરાવા વિપુલભાઈ ઠાકોર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ પત્રકાર પરિષદમાં AAP નેતા ડો. કરન બારોટે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ખેડૂતોએ સાથે મળીને જબરદસ્ત આંદોલન શરૂ કર્યું હતું અને ત્યારબાદ ભાજપ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયું હતું. ત્યારબાદ આ ખેડૂતોના આંદોલનને તોડવા માટે ભાજપે રાજુ કરપડાને હાથો બનાવ્યો અને જે ષડયંત્ર રચ્યું એના પુરાવા આજે અમે ગુજરાતની જનતા સમક્ષ રજુ કરવા જઈ રહ્યા છીએ. આમ આદમી પાર્ટીના નેતાઓને તથા ખેડૂતોને બદનામ કરવા માટે જે ષડયંત્ર રચાયું હતું તે મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા વિપુલ ઠાકોર આજે ઓડિયો રેકોર્ડિંગ રજૂ કરવા જઈ રહ્યા છે અને આ ઓડિયો રેકોર્ડિંગમાં તમામ વસ્તુઓ સ્પષ્ટ થઈ જાય છે કે આંદોલનને તોડવા માટે કઈ રીતે ષડયંત્ર કરવામાં આવ્યું.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના પાટણના કિસાન સેલના જિલ્લા પ્રમુખ વિપુલભાઈ ઠાકોરે મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, રાજુભાઈ કરપડાના જુના કેસો હતા એની ધમકીઓ આપીને ભાજપે રાજુભાઈ કરપડાને ભાજપમાં જોડવાનું નક્કી કર્યું છે. આ મુદ્દે હું ઓડિયો રેકોર્ડિંગ સાથેના પુરાવા આપવા જઈ રહ્યો છું. આ રેકોર્ડિંગની ઘટના જે દિવસે એમણે રાજીનામું આપ્યું તે દિવસની જ છે. હું ગાડીમાં બેઠો હતો અને મારી આગળની સીટમાં રાજુભાઈ પોતે બેઠા હતા અને તેઓ પોતાના મોઢેથી બોલી રહ્યા હતા કે “અમિતભાઈ શાહ હર્ષભાઈ સંઘવી દ્વારા બાંહેધરી આપવામાં આવી છે અને થોડા સમય પછી ત્યાં જવાનું છે” અને આ વાતચીતના સંપૂર્ણ રેકોર્ડિંગ આજે હું ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. રાજુભાઈ આમ આદમી પાર્ટીના નેતાઓ પરથી આક્ષેપો કરી રહ્યા છે એ મુદ્દે પણ એ ઓડિયોમાં કબુલ કરી રહ્યા છે. આ રેકોર્ડિંગ સ્પષ્ટ કરે છે કે રાજુભાઈ ડરી ગયા અને પોતાના સ્વાર્થ માટે એમણે પાર્ટી છોડી હતી.




